Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ : સવારે પોરબંદરમાં છાંટા

બફારો વધતા લોકો પરસેવે રેબઝેબ : સાંજના સમયે વરસી જતો વરસાદ : મહત્તમ તાપમાનમાં વધઘટ

રાજકોટ, તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં વધઘટ સાથે કાલે ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપરના ગોંડલથી જામવાડી, ગોમટા, સુધીની પટ્ટીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ચોમાસાનું બંધારણ ચાલુ થઇ ગયું છે. દરરોજ છૂટા-છવાયા સ્થળોએ હળવા-ભારે ઝાપટા વરસતા રહેશે. આ દરમિયાન કાલે ગોંડલ તાલુકાના મોવીયા, કેશવાળા, બિલડી, શ્રીનાથગઢ, કમઢીયા અને ચરખડી ગામે બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે હળવા-ભારે ઝાપટા વરસતા માર્ગો પાણી-પાણી થઇ ગયા હતાં અને ઠંડક પ્રસરી હતી. કોટડાસાંગાણી તાલુકાના સતાપર તેમજ ઉપરવાસના જસદણ તાલુકાના વેરાવળ, ડોળીયાળા સહિતના ગામોમાં સાંજે અચાનક વાતાવરણ પલ્ટો આવ્યો હતો. સતાપરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો. નદી-નાળામાં નવા નીર આવ્યા હતાં.

કાલે સૌથી વધુ તપામાન ડીસામાં ૪ર.૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે અમદાવાદ-ગાંધીનગરમાં ૪ર, રાજકોટ ૪૧.૯, કંડલા એરપોર્ટ ૪૧.૭, અમરેલી ૪૧.૬, ભાવનગર ૪૧.ર ડીગ્રી તાપમાન નોંધાયું છે.

રાજકોટમાં સાંજના સમયે વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને બફારો થઇ રહ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાઇ ગયું છે અને મહત્તમ તાપમાનમાં વધઘટનો અનુભવ થઇ રહ્યો છે.બફારો વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે અને સાંજના સમયે કયાંક-કયાંક વરસાદ વરસી જાય છે.

પોરબંદર

પોરબંદર : શહેરમાં આજે સવારે ૮:૪પ વાગ્યા આસપાસ વરસાદી છાંટા પડયા હતાં અને વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ છે.

ભાવનગર ૪૧.ર ડીગ્રી

ભાવનગર : આજે ગરમીનું પ્રમાણ વધતા અને ભેજનું પ્રમાણમાં વધતા લોકો અકળાયા હતા. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૧.ર ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને પવનની ઝડપ ૧૧૮  કિ.મી. પ્રતિકલાકની રહી હતી. કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયેલા ભાવનગરવાસીઓ હવે મેઘરાજા જલ્દી પધરામણી કરે તેની પ્રતિક્ષામાં છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૭ મહત્તમ, ર૮ લઘુત્તમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:47 am IST)