Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વરસાદી માહોલની સંભાવનાના લીધે અંતિમ રોઝાઓમાં ગરમીમાં અલ્પ રાહત મળી રહેશે

જ્યાં ગુરૂવારથી રોઝો શરૂ થયો છે ત્યાં આજથી જ રમઝાન માસનો અંતિમ તબક્કો શરૂ થયો

વાંકાનેર, તા. ૬ :. મુસ્લિમ સમુદાયમાં રમઝાન માસમાં બે અશ્રા (દસકા) વિતી ચૂકયા છે અને જ્યાં જ્યાં રમઝાન માસના પ્રથમ રોઝાનો પ્રારંભ તા. ૧૭-૫ ને ગુરૂવારથી થયો હતો તે તમામ શહેરો, ગામોમાં આજે વિધિવત ૨૧માં રોઝાનો પ્રારંભ થઈને રમઝાન માસના અંતિમ અશ્રા (દસકા)નો પ્રારંભ થયો છે.

પયગમ્બરે ઈસ્લામ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના કથન મુજબ રમઝાનના આ અંતિમ અશ્રા (દસકા)ની પાંચ એકી સંખ્યાની રાત્રીઓમાં 'લયલતુલ કદ્'ની મહાન રાત્રીને શોધવાનો આદેશ અપાયો હોય, તે અંતર્ગત ગઈ કાલે પ્રથમ એકી રાત્રી એટલે કે ૨૧મી રાત્રીનું જાગરણ પુરૂ થઈ હવે ૨૩, ૨૫, ૨૭ અને ૨૯મી રાત્રીઓ દરમ્યાન લૈલતુલ કદ્દની રાત્રીની સંભાવનાઓ સાથે ઈબાદતો-જાગરણ થશે. જો કે હદીસોન સાર મુજબ રમઝાનની ૨૭મી રાત્રી, એ લૈલતુલ કદ્દની રાત્રી ગણાવાઈ હોય, આ રાત્રી તા. ૧૧-૬ના રોજ છવ્વીસમું રોઝુ પુરૂ થતા જ શરૂ થઈ જશે. દર વર્ષે મસ્જીદોમાં આ રાત્રીએ ઈબાદતો માટે વિશેષ પ્રયોજનો જોવા મળતા હોય છે. જે મુજબ આવતા સોમવારે મોડી રાત્રી સુધી લૈલતુલ કદ્દનની જાગરણો ઠેર ઠેર જોવા મળશે. સ્કાયમેટ વેધર અનુસાર રાજ્યમાં વધુ વિસ્તારોમાં આ દિવસે સંભવતઃ આકાશ સ્વચ્છ રહેવાની શકયતા જોવા મળે છે. પ્રિમોન્સુનરૂપી વરસાદી માહોલ દસમી જૂન આસપાસ સૌરાષ્ટ્રમાં જોવા મળે તેવી સંભાવનાઓને પગલે રોઝાદારોને આ દિવસોમાં, અર્થાત અંતિમ રોઝાઓમાં ગરમીમાં અલ્પ રાહતની શકયતાઓ રહે છે.

(11:35 am IST)