Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સ્ટોક પુરો થઈ જતા જૂનાગઢમાં કોરોના રસીકરણ પ્રક્રિયાને અસર, સ્થિતિ પૂર્વવત કરવા પ્રયાસો

ટૂંક સમયમાં જથ્થો આવી જશેઃ કલેકટર ડો. સૌરભ પારઘી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૬ :. સ્ટોક પુરો થઈ જતા જૂનાગઢમાં કોરોના રસીકરણ પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળેલ છે.

જો કે કલેકટર ડો. સૌરભ પારઘીના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જથ્થો આવી જશે અને સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ મહાનગરમાં વેકસીનેશન માટે તંત્ર દ્વારા રાત-દિવસ એક કરવામાં આવેલ, પરંતુ સ્ટોક ખલાસ થઈ જતા શહેરમાં કોરોના રસીકરણની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં હજુ ૧૮ પ્લસનું વેકસીન શરૂ થયુ નથી ત્યાં ૪૫ પ્લસનું બંધ થવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

જો કે કલેકટર ડો. સૌરભ પારઘીએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, થોડી ઘણી અસર થઈ છે, પરંતુ જથ્થો ટૂંક સમયમાં ઉપલબ્ધ થયેથી રસીકરણ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

તેમણે વધુમાં જણાવેલ કે, હાલ સિવીલ હોસ્પીટલમાં કોવિડ દર્દીઓનું દરરોજનું વેઈટીંગ ઘટીને ૧૦ થી ૧૫ દર્દીનું થયુ છે.

દરમ્યાન મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ અકિલાને જણાવેલ કે, શહેરમાં રસીકરણ પ્રક્રિયા રાબેતા મુજબ છે અને કોઈ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા નથી. વેકસીન કામગીરીમાં કોર્પોરેટરો, આગેવાનો, સંસ્થાઓ વગેરેનો સહયોગ સાંપડયો છે.

(1:07 pm IST)