Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબી જિલ્લાના ક્ષય વિભાગના કર્મચારીઓ તા. ૧૨ સુધીની પ્રતીકાત્મક પેનડાઉન હડતાલ પર

મોરબી તા. ૬ : મોરબી જીલ્લાના આરોગ્યના ક્ષય વિભાગમાં કરાર પદ્ઘતિથી નિમણુક અન્વયે વર્ષોથી ટીબીની સારવાર કરી ટીબી મુકત ગુજરાત, ટીબી મુકત ભારત માટે કાર્યરત કર્મચારીઓએ કેટલાક જીલ્લાના ઉચ્ચ આરોગ્ય અને ક્ષય અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા કોર્ટના આદેશોની અવમાનના અને તિરસ્કારવૃતિના અતિરેકને પગલે પ્રતીકાત્મક વિરોધ દર્શાવવા અને પડતર માંગણીઓને ફરી વખત સરકારના ધ્યાનમાં લાવવા પેનડાઉન હડતાલ સાથે પ્રતિક હડતાલનું એલાન કર્યું છે.

સંઘ પ્રમુખ હેમાંશુ પંડ્યાના જણાવ્યા અનુસાર કોરોનાના કપરા કાળને ધ્યાને લઈને દર્દીઓને દવા પહોંચાડવી, દર્દીને આર્થિક સહાયની કાર્યવાહી કરવી, દર્દીના નિદાન અને ફોલોઅપ સહિતની સેવાઓ સંપૂર્ણ ચાલુ રખાશે અને ક્ષય વિભાગના જ કરારી કર્મીઓને કોવીડ ૧૯ અંતર્ગત કામગીરી સોપાઈ છે તે ચાલુ રહેશે પરંતુ લેખિત રીપોર્ટીંગ ના કરવું, ઉચ્ચ સ્તરે રીપોર્ટીંગ ના કરવું, નીક્ષય પોર્ટલ અપડેશન ના કરવું, મંથલી મીટીંગ બહિષ્કાર જેવા પગલા સાથે તા. ૦૭ મેં થી ૧૨ મેં સુધી પ્રતીકાત્મક પેન ડાઉન હડતાલ કરવામાં આવશે અને ગુજરાતના જીલ્લા ક્ષય અધિકારી તેમજ જીલ્લા કલેકટરને સંબોધીને આવેદન પાઠવવામાં આવશે પ્રતીકાત્મક હડતાલના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતના ટીબીના કોઈપણ દર્દીઓને પોતાના જીલ્લાના ક્ષય વિભાગના કર્મી નજીકના હેલ્થ સેન્ટર કે પછી સંઘ પ્રમુખ હેમાંશુ પંડ્યાનો સંપર્ક કરી માહિતી તેમજ સહાય મેળવી શકશે.

(11:46 am IST)