Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સુરેન્દ્રનગર દુધરેજ -વઢવાણ સંયુકત પાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઇ ટોલિયા કોરોના સામે હારી ગયા

૪ મહિના અને ૧૨ દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ નિધન : ૬૦૦ કરોડના વિકાસ કાર્યો કર્યા'તા : વિજયભાઇ રૂપાણી સહિતનાએ શોકાંજલી અર્પી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૬: સુરેન્દ્રનગરમાં ૬૦૦ કરોડ રૂપિયાના વિકાસનાં કામો કરનાર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા પોતે કોરોના સામેની જંગ હારી ગયા છે ૪ માસ અને ૧૨ દિવસ કોરોનાની સારવાર લીધા બાદ કાલે સાંજે તેમનું અવસાન થયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો શોકમગ્ન બની જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં નાના માણસનું સદાય કામ કરનાર પાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા ની ચિર વિદાયથી સુરેન્દ્રનગર જિલ્લો શોકમગ્ન બની જવા પામ્યો છે અને સુરેન્દ્રનગરને આ બાબતની સદાય ખોટ વર્તાશે.

આજથી પંદર વર્ષ પહેલા જાહેર જીવનમાંથી રાજકારણમાં જોડાયા હતા અને પંદર વર્ષ પહેલાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી તે સમયે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકાનો જુના વોર્ડ એટલે કે ૫ નંબરનો વધ ગણાતો હતો તે વોર્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ જીત્યું હતું અને ખુદ સુરેન્દ્રનગરના તે સમયના નગરપાલિકાના ચાલુ પ્રમુખ પણ આ વોર્ડમાંથી લડતા હતા તે સમયે ખુદ વિપીનભાઈ ટોલિયા દ્વારા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવામાં આવી હતી અને નગરપાલિકાના તે સમયના પ્રમુખ સામે ચૂંટણી લડી અને તેમને જંગી બહુમતીથી હરાવ્યા હતા.

ત્યારબાદ સુરેન્દ્રનગર ને દિલથી સુંદર બનાવનારા યુવા કયાં પાછો પડવાનો હતો પોતાની રાજકીય કારકિર્દી પોતાના સ્વભાવ અને મિત્ર વર્તણૂક અને કાયમ નાના માણસ સાથે રહી અને આગળ વધાવી હતી ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકા ના બે વખત પ્રમુખ પણ બની હતા ત્રણ વખત નગરપાલિકાની ચૂંટણી લડયા હતા ત્રણ વખત જંગી બહુમતીથી જીત્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાની જનતાએ તેમને આપાર પ્રેમ આપ્યો હતો કારણ હતું કે સુરેન્દ્રનગર ને દિલથી સુંદર બનાવવા એક અંતરની લાગણી વિપીનભાઈ ટોલિયા ધરાવતા હતા.

તેઓ પ્રથમ નગરપાલિકાના પ્રમુખ હતા કે જે સુરેન્દ્રનગર ના વિકાસ માટે ૬૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી લાવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર ને સાચા અર્થમાં સુંદર બનાવવાનું સપનું પોતાના મનમાં સંકલ્પ કરી અને રાજકીય પંથ ઉપર નાના માણસ તથા તમામ સમાજના વર્ગ ને સાથે રાખી અને વિકાસના કામો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કરનાર વિપિનભાઈ ટોલિયા ૬૦૦ કરોડ ની ગ્રાન્ટ સરકારમાંથી લાવ્યા હતા અને શહેરની રોનક પલટી નાખી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની જનતાએ વિચાર્યા ન હોવાના કામો પાલિકાના પૂર્વ પ્રમુખે કર્યા હતા ત્યારે આ કામમાં સુરેન્દ્રનગરનું ઓવરબ્રિજ ટાઉન હોલ ભોગાવો નદી ઉપર રિવરફ્રન્ટ ભૂગર્ભ ગટર યોજના પાણીની યોજના તથા સૌથી મોટું કામ સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ હતા તે સમયે વિપીનભાઈ ટોલિયા દ્વારા ધોળી ધજા ડેમ બારેમાસ ભર્યું રહે અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને વરસોવરસ પાણીની તંગી નહીં સર્જાય તે હેતુથી સૌની યોજના અંતર્ગત સરકારમાં મુખ્ય ડેમ તરીકે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ નોમિનેટ કરાવ્યો હતો ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં થી બોટાદ કચ્છ સુધી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા ના અર્થાત પ્રયાસો બાદ મળ્યો છે.

વિપીનભાઈ ટોલિયા કાયમ તેમના પત્નીને કહેતા મારા રાજકીય ગ્રહ નબળા છે પરંતુ તારા રાજકીય ગ્રહને લીધે હું સતત આગળ વધતો જઇ રહ્યો છું અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને સાચા અર્થમાં વિકાસ માં લોક ભાગીદાર બની રહ્યો છું ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર ખાતે તેમના નિવાસસ્થાને આજુબાજુના લોકો પણ શોકમગ્ન બની જવા પામ્યા હતા અનેક દિગ્ગજ નેતાઓની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પરિવાર સાથે સંબંધ ધરાવનાર વિપીનભાઈ ટોલિયા નિધનના સમાચાર સાંભળી અને રૂપાણી પરિવાર શોકમગ્ન બની જવા પામ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિપીનભાઈ ના પુત્ર યસ વિપીનભાઈ ટોલિયા ને ટેલિફોનિક વાતચીત કરી અને સાંત્વના પાઠવવામાં આવી છે.

ત્યારે તેમના નિવાસસ્થાનેથી વહેલી સવારે અગ્નિસંસ્કાર સુરેન્દ્રનગર સોનપુર રોડ ઉપર આવેલા સમશાન ખાતે કરવા માં આવ્યા છે સુરેન્દ્રનગરના વેપારીઓએ તમામ ધંધા રોજગારો આજે બંધ રાખ્યા છે વિપીનભાઈ ટોલિયા બાદ જિલ્લાના વેપારીઓ અને જિલ્લા ની જનતા શોક મગ્ન બની છે.

(11:39 am IST)