Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મેનેજપર પદેથી નોકરીમાંથી છુટ્ટો કરાતા લૂંટનો પરફેકટ પ્લાન ઘડેલો

રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા રહસ્યસ્ફોટ થવાની સંભાવનાઃ પોતાના પર શંકા નહિ જાય તેવું માનતા અરવિંદે ભત્રીજાને પણ નાણાની લાલચ આપી લૂંટમાં સામેલ કરેલઃ લાઠી પાસે થયેલી ૪૩ લાખની લૂંટના આરોપીઓને ઝડપવામાં ટીમ સ્પીરીટનો વિજય થયોઃ ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોડ સાથે અકિલાની વાતચીત : ભાવનગર રેન્જ વડા અશોક કુમાર યાદવ સતત સંપર્કમાં રહ્યાઃ પાલીતાણા એસપી પ્રતિપાલસિંહ ઝાલાએ પોતાના જુના બાતમીદારોનું નેટવર્ક એકટીવ કરેલઃ સીસીટીવી કેમેરાઓની સતત ચકાસણી એક ટીમ દ્વારા થતી હતીઃ એસઓજી, એલસીબી સહીતની ટીમ દ્વારા સતત થયેલી દોડધામનું પરિણામ મળ્યું: શેરડીનો રસ પીવાનું ખુબ મોંઘુ પડયું

રાજકોટ, તા., ૬: ભાવનગરની મારૂતી ઇમ્પેક્ષ કંપની નામની હીરાની પેઢીના કર્મચારીને લાઠીમાં કારમાં લીફટ આપવાના બહાને કંપનીના પુર્વ મેનેજર અને તેના ભત્રીજા ૪૩ લાખના હીરા સાથે નાસી છુટનાર આરોપીઓને ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડ અને પાલીતાણાના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી તથા સોનગઢ અને ઉમરાળા પોલીસની અલગ-અલગ ટીમોએ ટીમ સ્પીરીટથી ગણતરીના કલાકોમાં ઝડપી ટીમ સ્પીરીટથી કેવું પરિણામ આવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે.  ઉકત ટીમ સાથેે ભાવનગર રેન્જ ડીઆઇજી અશોકકુમાર યાદવનું પણ સતત સંપર્કમાં રહી માર્ગદર્શન આપવા સાથે 'ઓલ્સ વેલ્સ' મેળવી રહયા હતા.

સૌ પ્રથમ તો ઘટનાની જાણ થતાની સાથે જ એસપી જયપાલસિંહ રાઠોડે ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવને જાણ કરી તુર્ત જ ઘટના સ્થળે દોડી જઇ અને તાત્કાલીક પાલીતાણા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાના માર્ગદર્શનમાં વિવિધ ટીમો બનાવવા સાથે સીસીટીવી ફુટેજ મેળવી એનાલીસીસ શરૂ કરેલ. આરોપીએ ઉપયોગમાં લીધેલ હોન્ડા સીટી કાર ઉમરાળા-વલ્લભીપુર હાઇવે ઉપરથી આવી રહયાની બાતમી પરથી તુર્ત જ અરવિંદ પુનાભાઇ તોગડીયા તથા જીજ્ઞેશ અશોકભાઇ તોગડીયાને ઝડપી લઇ તેઓની આગવી ઢબે પુછપરછ કરી હતી.

એસપી જયપાલસિંહ રાઠોડ અને પાલીતાણા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાની પુછપરછમાં આરોપી અરવિંદ તોગડીયા જે હીરાની કંપનીમાં લુંટ થઇ તે કંપનીમાં મેેનેજર જેવા ઉચ્ચ હોદ પર રહી વર્ષો સુધી કામ કરેલ. તેનું વર્તન અને વ્યવહાર વાજબી ન હોવાથી તેને છુટ્ટો કરવામાં આવતા બેકાર બનેલા અરવિંદે આ તરકટ રચ્યાનું ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોડે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો ખુલવા સાથે અઢી માસ દરમિયાન બીજી કોઇ લુંટમાં તે સામેલ છે કે કેમ? તેની વિગતો બહાર આવશે.

એસપી જયપાલસિંહ રાઠોડ અને પાલીતાણાના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ અકિલા સાથેની વાતચીતમાં એવું પણ જણાવ્યું હતું કે અરવિંદ તોગડીયા કે જે મારૂતી ઇમ્પેક્ષ કંપનીનો પુર્વ મેનેજર હતો. તેથી તેના પર શંકા નહિ જાય તેવા ઇરાદે આ કૃત્યુ નાણાભીડને કારણે કર્યાનું જણાવ્યુ઼ં હતું. આરોપીએ કૌટુંબીક ભત્રીજાને પણ નાણાની લાલચ આપી આ કૃત્યમાં સામેલ કર્યાનું પણ કબુલ્યાનું સુત્રો જણાવે છે.

(2:24 pm IST)