Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

હિંગોળગઢમાં અશ્વીનભાઇ કોળી પર થયેલા હુમલાની ઘટનામાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો

વિપુલ, સુરેશ, દિપક, હેમંત અને મુકેશ ઉર્ફે મુનો સામે ગુનોઃ સાળી સાથેના પ્રેમ સંબંધના કારણે સાઢુ તથા તેના ભાઇઓ સહિત પાંચ શખ્સોએ કોળી યુવાનનું અપહરણ કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા

રાજકોટ તા. ૬: વિંછીયાના હિંગોળગઢ ગામમાં પંદર દિવસ પહેલા સાળી સાથેના પ્રેમ સંબંધના કારણે કોળી યુવાનનું સાઢુ તથા તેના ભાઇઓ સહિત પાંચ શખ્સોએ અપહરણ કરી ધારૈઇ વીડીમાં લઇ જઇ થયેલા હુમલાની ઘટનામાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે.

મળતી વિગત મુજબ ચોટીલાના ધરમપુર ગામમાં રહેતા અશ્વીનભાઇ માનસીંગભાઇ ઓળકીયા (ઉ.વ. ૩૩) ને સાળી વર્ષા હેમંત હતવાણી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હોઇ, જેથી વર્ષાબેને કડુકા તથા લાલાવદર ગામ વચ્ચે આવેલ જમીન ભાગમાં વાવવા રાખી હતી. તેથી સાળીએ ફોન કરી બોલાવતા અશ્વીનભાઇ કોળી બાઇક લઇને ત્યાં જતા બંને બાઇક પર લાલાવદર ગામ પાસે જતા હતા. આરોપી વિપુલ મોહનભાઇ હતવાણી જોઇ જતા બંનેનો પીછો કર્યો હતો. બાદ અશ્વીનભાઇએ સાળીને હિંગોળગઢ ગામ પાસે ઉતારીને બાઇક પર જતા હતા ત્યારે વિપુલ હતવાણીએ ગુંદાળા ગામ તરફ જવાના રસ્તે બાઇક આડુ નાખી વિપુલ તેનો ભાઇ સુરેશ હતવાણી, દિપક, સાઢુ હેમંત મોહન હતવાણી અને મુકેશ ઉર્ફે મુન્નો હતવાણી (રહે. ચોટીલાના ધારૈઇ તથા (વિંછીયાના અમરાપુર) એ અશ્વીનભાઇનું અપહરણ કરી ગુંદાળા ગામ પાસે વીડીમાં લઇ જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે માર મારી જમણા હાથ તથા પગના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી અને દોરડા વડે તથા ઢીકા પાટુનો માર મારતા અશ્વીનભાઇની બંને કીડની ફેઇલ કરી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બાદ અશ્વીનભાઇ કોળીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે વિંછીયા પોલીસે સાઢુ હેમંત મોહન હતવાણી તથા તેના ત્રણ ભાઇ વિપુલ, સુરેશ અને મુકેશ ઉર્ફે મુન્નો અને દિપક સામે હત્યાની કોશિષની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. વી. એમ. કોલાવદરાએ તપાસ આદરી છે.

(12:24 pm IST)