Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

દરેડનો સમગ્ર વિસ્તાર સીલઃ ૧૪ મહિનાના બાળકનો પરિવાર કોરોન્ટાઇન

જામનગરમાં 'કોરોના'ની 'પોઝીટીવ' એન્ટ્રી થતાં જ વહિવટી તંત્રમાં દોડધામઃ પોલીસ આરોગ્ય વિભાગના ધામા : બાળકના પિતા મજૂરી કરે છે ૨૦મીથી કારખાનુ બંધ છેઃ કયાંય બહાર ગયા નથી તો સંક્રમણ કયાંથી લાગ્યુ?

જામનગરઃ દરેડમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે, કલેકટરશ્રી દ્વારા લોકોને અપીલ કરી હતી અને ચુસ્ત બંદોબસ્ત સાથે જાહેરનામુ બહાર પડાયુ છે(તસ્વીરઃકિંજલ કારસરીયા.જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, પરંતુ  હવે  એન્ટ્રી થઈ છે. તાલુકાના દરેડ ગામમાં ત્રણ રહેતા એક વર્ષથી શ્રમિક પરિવારના માત્ર ૧૪ મહિના ના બાળક નો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝેટીવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. બાળક ને હાલ જીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યું છે. ઉપરાંત તેના માતા- પિતા અને કાકા વગેરેને પણ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અને હોસ્પિટલમાં તેઓના પણ નમૂનાઓ એકત્ર કરાઇ રહ્યા છે.

સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોગ્યની ટીમ તેમજ પોલીસ વિભાગે દરેડ મા ધામા નાખ્યા છે. જામનગર જિલ્લાનો પ્રથમ કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

દરેડ વસાહત ની વચ્ચે રૂમ ભાડે રાખીને રહેતા મૂળ ઉત્ત્।ર પ્રદેશના વતની એવા એક શ્રમિક પરિવારના ૧૪ મહિનાના બાળકની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

જામનગર જી જી હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવ્યા હતા. તે પૈકીનો એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાળકની હિસ્ટ્રી અંગે ગત ૩૦મી તારીખે ૧૪ મહિનાના બાળક ને તાવ શરદી અને ઉધરસની તકલીફ થતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પરંતુ તેને દવા આપીને રજા આપી દેવાઈ હતી. જે બાળકને ઘરે લઈ જવાયો હતો. પરંતુ ગઈકાલે ફરીથી તબિયત બગડતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના લોહીના નમૂના એકત્ર કરીને આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે ગણતરી કરી સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

જીજી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગેની વિગતો જાહેર કરાયા પછી કલેકટર રવિશંકર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. અને જામનગર જિલ્લાના તમામ આરોગ્ય તંત્રને તેમજ પોલીસ તંત્ર ને બોલાવી લેવાયા હતા. અને સમગ્ર ટીમને દોડતી કરી દેવામાં આવી છે.

બાળકના કાકા પણ તેની સાથે જ રહે છે, અને ચાર વ્યકિતના પરિવારમાં નાના બાળકને કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે સમગ્ર પરિવારની વિદેશ પ્રવાસ અથવા તો બીજા રાજયની હાલમાં કોઈ ટ્રાવેલની હિસ્ટ્રી જાણવા મળી નથી.

બાળકના પિતા કે જેઓ દરેડ નજીક આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરે છે જે કારખાનું ૨૦ તારીખથી બંધ છે. અને પોતે પરિવાર સાથે દ્યરમાં જ રહે છે ત્યારે બાળકને કોરોનાવાયરસનું સંક્રમણ કયાંથી લાગ્યું, અથવા અન્ય કોઈ સંક્રમિત છે કે કેમ? તે સમગ્ર હકીકત જાણવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

હાલ બાળકના માતા-પિતા અને કાકાને જી.જી.હોસ્પિટલમાં જ કોરોન્ટાઈન કરી દેવાયા છે. જયારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે તમામ બોર્ડર ઉપર પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. આસપાસના કોઈપણ શ્રમિકો વિસ્તારમાંથી બહાર નીકળે અથવા તો બહારના કોઈ લોકો વિસ્તારમાં ન આવી શકે તે બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા છે.

કલેકટર રવિશંકરે લોકોને સંબોધન કર્યું છે કે હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે ચૌદ મહિનાનું બાળક છે. આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના માતા-પિતા અથવા આજુબાજુની વ્યકિત પાસેથી લાગુ પડવાની શકયતા છે. બાળકની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક જામનગરવાસી પ્રાર્થના કરે તેમ અનુરોધ કર્યો હતો અને સાથે જ જણાવ્યું હતું કે, દરેડ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલ હોવાથી હાલ દરેડ વિસ્તારને સંપૂર્ણ કવોરેંટાઇન કરવામાં આવેલ છે.

દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં દ્યણા અન્ય રાજયોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહેતા હોય દરેકને જણાવવાનું કે, આ વિસ્તારમાં આ બાળકના કે તેના માતા-પિતાના સંપર્કમાં જો કોઈ પણ વ્યકિત આવેલ હોય તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સંપર્ક કરે. આ રોગના લક્ષણો ૧૪ દિવસની અંદર દેખાતા હોઇ કોઈપણ વ્યકિતને આ ચેપી રોગ લાગુ પડી શકે છે તેમ જણાવી કલેકટરશ્રીએ અપીલ કરી હતી કે, લોકો દ્યરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.

દરેડમાં ૧૪ મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ કિસ્સા બાદ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત સાથે કોરન્ટાઈન કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આગામી ૧૪ એપ્રિલ સુધી દરેડ વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.અને જેનો ભંગ કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો તાત્કાલિક અસરથી પોલીસ અને એસઆરપી સહિતના સ્ટાફને ગોઠવી આ વિસ્તારમાં અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

(4:07 pm IST)