Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ગોંડલ પાલિકાને મંદિર ગણાવી ખોટો વિડીયો વાયરલ કરનાર સામે ગુન્હો નોંધાયો

મુંબઇના ફેઝાને ફેસબુકમાં વિડીયો વાયરલ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી

ગોંડલ,તા.૬: સમગ્ર દેશમાં લોકડાઉન નું પાલન થઈ રહ્યું છે ત્યારે મુંબઈના એક શખ્સ દ્વારા ગોંડલ નગરપાલિકાની કચેરી ને હિન્દુ મંદિર ગણાવી પોલીસ દ્વારા સપોર્ટ કરવામાં આવતો હોવાનું જણાવી ફેસબુક માં ખોટો વીડિયો વાયરલ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા પ્રયાસ કરાતા પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા ફેઝાન ખાન નામના શખ્સે ફેસબુક એકાઉન્ટ પર ગોંડલ નગરપાલિકા ને હિન્દુ મંદિર ગણાવી પોલીસના સપોર્ટ ભીડ એકઠી કરવામાં આવી હોવાનો ખોટો વિડીયો ફેસબુક ઉપર વાયરલ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાતા સીટી પી.એસ.આઇ બીપી ઝાલા દ્વારા ફૈઝાન વિરુદ્ઘ ipc કલમ ૨૯૮, ૫૦૫, ૧૦૧ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ની કલમ ૬૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલા ગોંડલ નગરપાલિકા કચેરીએ ફેરિયાઓ, રિક્ષાચાલકો અને શાકભાજી વેચતા માણસોને પાલિકા તરફથી રૂપિયા આપવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા અને ટોળાને દૂર કરવા પોલીસ પણ દોડી આવી હતી જે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેની મહારાષ્ટ્રના પ્રધાન દ્વારા હિન્દુ મંદિર ગણાવી દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો

(12:00 pm IST)