Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય એકતાના દર્શન

દીવડા પ્રગટાવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડે આપ્યો એકતાનો સંદેશ : રાજયભરમાં થઇ રહ્યા છે સેવાકીય કાર્યો

રાજકોટઃ એકમાત્ર એવું મંદિર જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ફરી એકવાર રાષ્ટ્રીય એકતાના દર્શન થયા. ૫મી એપ્રિલે રાત્રે ૯ કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ દીપ પ્રજવલિત કરીને કોરોના વાઇરસની લડાઈમાં દેશ એક જૂટ છે તેવો સંદેશો શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડે પણ આપ્યો હતો. રાત્રે ૯ કલાકે મંદિર પરિસરમાં દીપ પ્રજવલિત કરીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પણ રાષ્ટ્રની સાથે ઊભું છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૫ એપ્રિલને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે નવ મિનિટ સુધી ઘરની તમામ લાઈટો બંધ કરીને ઘરની અગાસી, બારી કે ફળિયામાં રહીને દિવો, મિણબત્ત્।ી, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને કોરોના વાઇરસ સામેની લડતમાં દેશ એક છે તે પ્રદર્શિત કરવા માટે આહવાન કર્યું હતું. જેને પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં દીપ પ્રગટાવીને સંદેશો આપ્યો હતો કે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ આ લડાઈમાં દેશની સાથે છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલે પણ પોતાના નિવાસસ્થાને દીપ પ્રગટાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રાષ્ટ્રીય એકતાની પહેલને સમર્થન આપ્યું હતું.

દેશ પર આવી પડેલી કોરોના વાઇરસ રૂપી મહામારીમાં દેશભરમાં લોકડાઉન છે. આવા કપરા સમયમાં અનેક લોકોને ભોજનની પણ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજયભરમાં સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જિલ્લા અને તાલુકા સહિતની ખોડલધામની સમિતિઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી ભોજન અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

(11:56 am IST)