Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનમાં પણ તસ્કરોનું પેટ્રોલીંગ ! વાંકાનેરના વાલાસણ ગામે ૩.૯પ લાખની મતાની ચોરી

ખેડૂત ઇબ્રાહીમભાઇનો પરિવાર ખેતરે ગયો ને તસ્કરો ઘર સાફ કરી ગયા : ૧.પપ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ઉસેડી ગયા

તસ્વીરમાં જયાં ચોરી થઇ તે ઘરમાં વેરવિખેર સામાન સાથે ખુલ્લો કબાટ નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

વાંકાનેર, તા. ૬ : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ખેડૂત પરિવાર ખેતરે ખેતીકામે ગયા અને પાછળથી તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ત્રણ લાખ પંચાણુ હજારની માલમત્તા ચોરીને નાશી છુટયાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી ઇબ્રાહીમભાઇ ફતેમામદ વલી ભારેણીયા ઉ.વ.૪૭, રે. વાલાસણ વાળા તેમના પરિવાર સાથે તા. ૪-૪-ર૦ર૦ના સવારે સાડા આઠેક વાગ્યે ઘરને તાળા મારી ખેતીના કામ અર્થે પરિવાર સાથે ખેતરે ગયા હતા. બપોરે સવા બાર વાગ્યે પરત આવતા મેઇન દરવાજાનો તાળાનો નડુચો તૂટેલો હતો અને ઘરના દરવાજા ખુલ્લા જોવા મળેલ. ઘરમાં નજર કરતા કબાટ, બેગ બધુ ખુલ્લુ અને વેરવિખેર જોવા મળેલ.

કબાટમાં નજર કરતા રોકડા રૂપિયા ૧,પપ૦૦૦ જોવા નહીં મળેલ. આ ઉપરાંત સોના-ચાંદીના દાગીના પણ જોવા નહીં મળતા તુરંત વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ચૌધરી પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા હતાં અને રોકડ તથા સોના-ચાંદીના ઘરેણા મળી રૂ. ૩,૯પ૦૦૦/ની માલ મતા ચોરાયાની ફરીયાદ થતાં જીલ્લા પોલીસની ખાસ સ્કોડ પણ વાલાસણ પહોંચી હતી અને જીણવટભરી તપાસ શરૂ કરી તસ્કરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(11:36 am IST)