Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કચ્છમાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસઃ ગાંધીધામના દંપતી શંકાસ્પદ દર્દી તરીકે દાખલ

ભુજના માધાપર ગામે કોરોનાનો પોઝિટિવ કેસઃ કોરોનાના દર્દીની સારવાર કરનારા ૪ ખાનગી તબીબો સહિત ૪૧ કવોરેન્ટાઇનમાં, આ બીજો કેસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો હોઈ દર્દીના ઘરની આસપાસ ૩ કિમિનો એરિયા સીલ, ૭ કિમિ બફરઝોન

ભુજ,તા.૬: કચ્છમાં થોડો સમય પરિસ્થિતિ સ્થિર રહ્યા બાદ કોરોનાનો બીજો પોઝિટિવ કેસ બહાર આવતાં સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.

ભુજના માધાપર ગામના ૬૨ વર્ષીય જગદીશ રામજી સોનીને કોરોના પોઝિટિવ નીકળતાં હવે તંત્ર વધુ સાવચેત બની ગયું છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યા પ્રમાણે કોરોનાના આ દર્દી જગદીશ સોનીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, આ કેસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો હોઈ ખૂબ જ ચિંતાજનક દ્યણી શકાય. આ દર્દી અત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બાયપેપ પર સારવાર હેઠળ છે. જોકે, સૌથી ચિંતાજનક વાત એ છે કે, માધાપરના દર્દી જગદીશ સોની છેલ્લા પાંચેક દિવસમાં સારવાર માટે માધાપર ભુજમાં અલગ અલગ તબીબો અને રેડીયોલોજીસ્ટ પાસે ગયા હતા.

જેને પગલે આ તબીબો ડો. નિશાંત પુજારા, ડો. અંજલિ નાયર, ડો. રાહુલ ચૌહાણ સહિત તેમના નર્સિંગ સ્ટાફ ઉપરાંત આ દર્દીના સગાંવહાલાં એમ ૪૧ જણાને કવોરેન્ટાઇનમાં રખાયા છે. સાવચેતી માટે માધાપરના દર્દીના ઘરની આસપાસના ત્રણ કિમિ વિસ્તરમાં કન્ટેનન્ટમેન્ટ ઝોન અને સાત કિમિના વિસ્તારમાં બફરઝોન જાહેર કરી ત્યાં પ્રવેશબંધી સહિતના પગલાં સાથે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.

પશ્ચિમ કચ્છ ડીએસપી સૌરભ તોલંબિયાએ ગઈ કાલે માધાપરમાં પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરી લોકોને પણ આ વિસ્તારમાં પરવાનગી સિવાય પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. કચ્છમાં આથી અગાઉ ઉમરાહની યાત્રાએ જઈ આવેલા મુસ્લિમ મહિલા દર્દીને કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ તેઓ હજી સારવાર હેઠળ દાખલ છે, જોકે, તેમની તબિયત સુધારા પર છે.

આ સિવાય કચ્છમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી તરીકે ગાંધીધામના ૩૬ વર્ષીય પતિ અને ૩૧ વર્ષીય પત્નીને દાખલ કરાયા છે. પતિ સાઉદી અરેબિયા જઈ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું છે. આ બન્નેના સેમ્પલ રાજકોટ લેબમાં મોકલાયા છે.

(10:32 am IST)