Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ : 52 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ

કોરોનાગ્રસ્ત દર્દી હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ : આરોગ્ય તંત્ર સતર્ક

મોરબી : સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે આજ સુધી મોરબી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આજે મોરબી શહેરના 52 વર્ષના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના અનેક શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ દરમિયાન મોરબી શહેરના 52 વર્ષના એક પુરુષને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને 3 દિવસ પૂર્વે રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સેમ્પલ લઈને બે વખત રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બીજો રિપોર્ટ આજે આવતા તેમાં કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે.

મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર હાલ સતર્ક બની ગયું છે. આ કોરોનાગ્રસ્ત પુરુષ અગાઉ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(7:04 pm IST)