Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જામનગરમાં પ્રથમ કોરોના કેસ : બાળકને વેન્ટિલેટર પર રખાયું :સમગ્ર દરેડ વિસ્તારને ક્વોરેન્ટાઇન કરાયો :શંકાસ્પદ લક્ષણો દેખાતા હોય તુરત સંપર્ક કરવો

લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલમાત્રાહે અને તેમના પરિવારને પણ સલામત રાખી શકે :કલેકટર રવિશંકરનો જામનગરવાસીઓને સંદેશ

જામનગર :જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા કલેકટર રવિશંકરે લોકોને સંબોધન કર્યું છે કે હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે ચૌદ મહિનાનું બાળક છે. આ રોગ સંક્રમણથી થાય  છે એટલે કે તેને તેના માતા-પિતા અથવા આજુબાજુની વ્યક્તિ પાસેથી લાગુ પડવાની શક્યતા છે. બાળકની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક જામનગરવાસી પ્રાર્થના કરે તેમ અનુરોધ કર્યો હતો

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેડ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલ હોવાથી હાલ દરેડ વિસ્તારને સંપૂર્ણ ક્વોરેંટાઇન કરવામાં આવેલ છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજ્યોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહેતા હોય દરેકને જણાવવાનું કે, આ વિસ્તારમાં આ બાળકના કે તેના માતા-પિતાના સંપર્કમાં જો કોઈ પણ વ્યક્તિ આવેલ હોય તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સંપર્ક કરે. આ રોગના લક્ષણો ૧૪ દિવસની અંદર દેખાતા હોઇ કોઈપણ વ્યક્તિને આ ચેપી રોગ લાગુ પડી શકે છે તેમ જણાવી કલેકટરશ્રીએ અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.

(10:37 am IST)