Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબી :‘કિશોરીઓ કુશળ બને’ સુત્ર સાથે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો.

મોરબી :મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાવસ્થાથી જ તેમને મહિલાઓને લાગતી યોજનાઓ અને કાયદાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ‘કિશોરીઓ કુશળ બને’ તેવા સુત્ર સાથે ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા’ઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ઘટક-૧ અને ઘટક-૨ કક્ષાએ આઈસીડીએસ પ્રોગામ ઓફિસર ભાવનાબેન ચારોલા તથા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ, મોરબી ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરી મેળાને કિશોરીઓને તેમના આરોગ્ય, શિક્ષણ અને કાયદા માટે જાગૃત કરવા માટે મહત્વનું ગણાવતાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલાએ જણાવ્યું હતું કે, અમે કિશોરીઓ તથા મહિલાઓની તમામ સમસ્યાઓ નિવારવા હંમેશા પ્રયત્નશીલ છીએ. આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે ત્યારે મહિલાઓ અને કિશોરીઓ વિવિધ વિભાગ હેઠળની આ યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તેમજ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાઓની માહિતી આપી તેમને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરે તેવો આ કિશોરી મેળાનો હેતુ છે.
આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં આઈસીડીએસ સી.ડી.પી.ઓ. મયુરીબેન ઉપાધ્યાયએ પૂર્ણા યોજનાની માહિતી આપી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં આઈ.ટી.આઈ.મોરબીના સુનિલ પરમારે મહિલાઓને લગતા આઈટીઆઈના વિવિધ કોર્સ અને શિષ્યવૃતિની માહિતી, મહિલા અને બાળ અધિકારી પી.વી.કાતરિયાએ વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા વિધવા સહાય, મહિલા સ્વાવલંબન વગેરે યોજનાઓની માહિતી, મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે મહિલા સશક્તિકરણ તથા મહિલા કઈ રીતે પગભર બની શકે તે માટેનું માર્ગદર્શન, આરોગ્ય વિભાગના બિનાબેનએ પોષક આહાર, એનિમિયા, હિમોગ્લોબીનની તપાસ, મમતા દિવસ વગેરેનું માર્ગદર્શન, જિલ્લા ખેતી અધિકારી ડો. હસમુખભાઈ ઝીંઝુવાડીયાએ કિચન ગાર્ડન તથા પોષણમાં મિલેટનું મહત્વની વિગતો, પોસ્ટ વિભાગના જીવરાજભાઈ ફુલતરિયાએ પોસ્ટ વિભાગની બચત અને મહિલાલક્ષી યોજનાઓ, સુકન્યા સમૃદ્ધી યોજના વગેરેની વિગતો તથા અન્ય ઉપસ્થિતોએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, બાળ લગ્ન અને પોક્સો એક્ટ વગેરે અંગે કિશોરીઓ તથા મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સુપોષિત કિશોરીઓને પોષણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. કિશોરીઓ દ્વારા કરવામાં આવેલા આત્મનિર્ભરતાના પ્રાઈડ વોકે આ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા મહિલોની લાગતી યોજનાઓ, અભિગમો અને કાયદાઓની માહિતી મહિલાઓએ અને ખાસ કરીને કિશોરીઓને મળી રહે તે હેતુથી સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા.

આ તકે ઉપસ્થિત મહાનુભાવો સહિતનાઓએ કિશોરીઓને તેમના હક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરા અને દીકરી ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરવા પ્રતિજ્ઞા લીધી હતી અને સિગ્નેચર કેમ્પેઈન અંતર્ગત સિગ્નેચર બોર્ડ પર સિગ્નેચર પણ કરી હતી.

  આ પ્રસંગે આઈસીડીએસ વિભાગ તથા જિલ્લા વહિવટીતંત્રના અધિકારી/કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

(12:03 am IST)