Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જેલમાંથી છૂટયા બાદ દેવાયત ખવડે પ્રથમ લોકડાયરામાં કહ્યું: ‘ઝૂંકેગા નહિ સાલા'

ભાવનગર ખાતે આવેલા કોલંબા ધામ ખાતે ભવ્‍ય લોકડાયરો યોજાયો હતો, જે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા

રાજકોટ, તા.૬: રાણો રાણાની રીતે લોકસાહિત્‍યકાર દેવાયત ખવડે જેલમાંથી છૂટયા બાદ રવિવારે ફરીથી લોક ડાયરો યોજાયો હતો. ત્‍યારે ફરી એક વખત સ્‍ટેજ પર રાણો રાણાની રીતે હોય તે જ પ્રકારના તેવર દેવાયત ખવડના જોવા મળ્‍યા હતા. સ્‍ટેજ પરથી દેવાયત ખવડે કહ્યું હતું કે, જેલમાંથી છૂટયા બાદ મારો આ પ્રથમ લોકડાયરો છે. ત્‍યારે હજુ પણ એ જ કહું છું, ‘ઝુકેંગા નહીં સાલા'

ગત સપ્તાહે દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા તેની જેલ મુક્‍તિ થઈ હતી. છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે હાઇકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્‍યા છે. ત્‍યારે રવિવારના રોજ ભાવનગર ખાતે આવેલા કોલંબા ધામ ખાતે ભવ્‍ય લોકડાયરો યોજાયો હતો. જે લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

ત્‍યારે આખરે દેવાયત ખવડ જેલમાંથી છૂટયા બાદ પોતાનો પ્રથમ લોક ડાયરામાં પોતાના ચાહક વર્ગને કહ્યું હતું કે, જેલમાંથી છૂટયા બાદનો મારો પ્રથમ લોકડાયરો છે. હજુ પણ કહું છું ઝૂકેંગા નહીં સાલા.

જેલમાંથી છૂટયા બાદનો પ્રથમ લોકડાયરો હોય જેના કારણે ગુજરાત આખું જોઈ રહ્યું છે કે, આ શું બોલશે. પરંતુ વાયડાઈ નહીં પરંતુ વ્‍યવહારથી વાત થશે. વાયડાઈ કયારે જીતી નથી પરંતુ વ્‍યવહાર હર હંમેશ માટે જીતી જાય છે. તો સાથે જ દેવાયત ખવડ સ્‍ટેજ પરથી ગયું હતું કે, જ્‍યારે મારા જમીન રિજેક્‍ટ થતા હતા ત્‍યારે કેટલાક લોકો હસતા પણ હતા. ભાવનગર ખાતે શ્રી કમળાઈ માતાજી ઉતાસણી પર્વ નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત સાતમી ડિસેમ્‍બર ૨૦૨૨ ના રોજ દેવાયત ખવડ સહિતના વ્‍યક્‍તિઓએ રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. જે અંતર્ગત રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે દેવાયત ખવડ સહિત ત્રણ વ્‍યક્‍તિઓ વિરુદ્ધ ipcની કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

જે બાદ પોલીસની પણ જુદી જુદી ટીમો બનાવી તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે પોલીસ દેવાયત ખવડ સહિતના આરોપીઓને શોધવામાં નાકામ રહી હતી.

(4:43 pm IST)