Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભીનું અજવાળુ અને શબ્‍દની ભેખડ

ધીરે ધીરે વરસાદ પડી રહ્યો છે, ઘડીયાળની ટકટક કોયલના ટહુકામાં ભૂંસાઇ જાય તેવી ઇચ્‍છા સાથે હું ઉઠું છું. વહેલી સવારે આથમતા અંધારાના ઝાંઝર મારે માટે અજાણ્‍યા નથી, પણ આજે વરસાદની જુગલબંધી છે. રાત કોઇ નવોઢાની અદાથી જઇ રહી છે, પાણીમાં રગદોળાએલું ભીનું અજવાળુ ઝાંપે ઉભું છે. ભીના અજવાળાનું પણ એક સંગીત છે. અજવાળાને અને સમયને કેવું સગપણ છે તે કોયડો થોડીવાર માટે બાજુમાં ઉભેલા વૃક્ષને એના લીલાછમ ખીસ્‍સામાં રાખવાનું કહ્યું છે. સગર્ભા દિશાઓની શબ્‍દાવલી ખેંચી લાવતા પંખીઓના ગીતોમાંથી ખસેડી લઉં છું, લસરી જતી મારી ભાષાને.

ઉંધુ ઘાલીને પાણી દોડી રહ્યું છે, અંધારાને ધક્કો મારવાની તાકાત તો નથી પણ આકાથી અવતાર હોવાનું અભિમાન પણ ઓછું નથી. અંધકારની સામે બળવો કરતું ચંદ્રપ્રકાશનું એક નાનકડું ટોળું વહેતા પાણીમાં પડે છે. દોડતા પાણીમાં ઓગળતા અજવાળાની ભાષા સંભળાય છે. અજવાળાને પચાવતા અમળાતું પાણી નથી ભાષા શોધી રહ્યું, કારણ સામે હું ઉંઘના સ્‍પર્શથી તાજપ અનુભવતી ભાષાને પહેરીને બેઠો છું.

આવી ક્ષણે શબ્‍દની ભેખડ ધસી પડે છે. અજવાળાનું કંપન અને પાણીનું પીળું સ્‍મિત આખી ક્ષણને જુદી દુનિયામાં જગાડે છે. હું ભીના અજવાળાને સહારે શબ્‍દનું પુર્નજિવિત કરવા મથું છું.

- ડો. મુકેશ શુકલ

સુરેન્‍દ્રનગર (મો. ૯૯૭૮૭ ૦૦૩૩૩)

(3:05 pm IST)