Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જામનગરના સિક્કામાં દુષ્‍કર્મની ફરિયાદ લેવા અદાલતનો એસપીનો આદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૬: જામનગરના સિક્કાના પોલીસ સ્‍ટેશનમાં એક મહિલાએ પોતાના પર દુષ્‍કૃત્‍ય થયું હોવાની રજૂઆત કરી હોવા છતાં પોલીસે તેણીની ફરિયાદના નોંધી માત્ર અરજી લેતાં આ મહિલાએ અદાલતનો આશરો લીધો છે. અદાલતે એફઆઈઆર નોંધવા અને ફરિયાદ માટેના જવાબદાર સામે તપાસ કરવા એસપીને આદેશ કર્યો છે.

જામનગર તાલુકાના સિક્કા ગામના ચાપરાજ હજાણી ગામના શખ્‍સે ગઈ તા.૨૩ના દિને ભેંસ ચરાવવા આવેલા એક મહિલાને સીમમાં રોકી લીધા હતા. તે પછી આ શખ્‍સે લગ્ન કરવા માટે સાથે આવવાનું કહેતા આ મહિલાએ પોતે અગાઉથી પરિણીત હોવાનું કહેતા ચાપરાજ અને તેની મોટરમાં સાથે આવેલા જયદેવ મેરા, નાગસુર હાજાણી, મારગુણ હાજાણી, બુધા હાજાણી, દેપાર હાજાણી નામના શખ્‍સોએ આ મહિલાને બળજબરીથી મોટરમાં બેસાડી લીધા હતા.

ત્‍યારપછી ચાપરાજે તું છૂટાછેડા લઈ લે, હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી છરી બતાવી આ મહિલાને ચૂપ રહેવા ધમકી આપી હતી અને તે પછી કોઈ ખેતરમાં લઈ જવાયેલા આ મહિલાને ગોંધી રાખી ચાપરાજે દુષ્‍કર્મ ગુજાર્યું હતું. આ મહિલાને કોઈને વાત કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી જવા દેવાયા હતા. તે દરમિયાન આ મહિલાના પરિવારે પોલીસમાં ગુમનોંધ જાહેર કરી હતી. સિક્કા પોલીસે તે મહિલાનું નિવેદન નોંધ્‍યું હતું. જેમાં તેણીએ કંઈ જણાવ્‍યું ન હતું પરંતુ પરિવાર પાસે તેણીએ ચાપરાજની હરકત વિશે જણાવ્‍યા પછી આ મહિલા અને તેણીનો પરિવાર ફરિયાદ કરવા સિક્કા પોલીસ સ્‍ટેશન દોડી ગયો હતો. જયારે પોલીસે એફઆઈઆર નોંધવાને બદલે અરજી લીધી હતી. તે પછી પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓને બોલાવાતા આ શખ્‍સોએ તે મહિલાના લગ્ન ચાપરાજ સાથે થઈ ગયા છે તેમ જણાવતા આ મહિલાએ પોતે અભણ છે, બળજબરીથી અંગુઠા મરાવી લેવાયા છે તેમ જણાવ્‍યું હોવા છતાં પોલીસે વાત સાંભળી ન હતી અને ફરિયાદ નોંધી ન હતી.

તે પછી આ મહિલાએ અદાલતમાં ફરિયાદ નોંધાવતા અદાલતે મહિલાની તરફેણમાં હુકમ કરી જણાવ્‍યું છે કે, તેણીની ફરિયાદ મુજબની એફઆઈઆર નોંધી અને સિક્કા પોલીસે પોતાની ફરજ યોગ્‍ય રીતે બજાવી ન હોય તેની સામે એસપીએ ખુદ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા હુકમ કર્યો હતો. ફરિયાદી મહિલા તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

જે આદેશ મુજબ સિક્કા પોલીસ મથકમાં યુવતીની દુષ્‍કર્મ અંગેની ફરિયાદ લેવામાં આવી હતી, જેમાં મુખ્‍ય આરોપી તરીકે જામનગરમાં રહેતા ચાંપરાજ ભીખા હાજાણી નામના ૩૦ વર્ષના શખ્‍સ સામે ગુનો નોંધવામાં આવ્‍યો હતો, આ ઉપરાંત આ કાર્યમાં મદદગારી કરવા અંગે તેના ભાઈ બુધાભાઈ હાજાણી, ઉપરાંત અન્‍ય પિતરાઈ ભાઈ સહિતના સાગરીતો જયદેવ હાજાણી, નાગસુર હાજાણી, મારગુન હાજાણી અને દેવાત હાજાણી ના નામો અપાયા હતા.

આ પ્રકરણની આગળની તપાસ મેઘપર- પડાણા પોલીસ સ્‍ટેશનમાં સોંપી દેવામાં આવી હતી, જેની તપાસના અનુસંધાને મેઘપર પોલીસે મુખ્‍ય સૂત્રધાર આરોપી ચાંપરાજ ભીખા હાજાણીને તેમજ મદદગારી કરનાર તેના ભાઈ બુદ્ધા ભીખા હાજાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે બંનેને જેલ હવાલે કરી દેવામાં આવ્‍યા છે.

ભોગ બનનાર યુવતીની તબીબી ચકાસણી કરી લેવાયા પછી તેણીને પોતાના માવતરે જવા દેવામાં આવી છે, ઉપરાંત અન્‍ય ચાર ફરારી આરોપીઓ કે જેઓ જામનગર તાલુકાના શાપર તેમજ લાખાબાવળ ગામના વતની છે, જેઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(2:01 pm IST)