Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ખંભાળિયા : સાસરીયાઓને મારી નાખવાની ધમકી આપી, ગાગવાના શખ્‍સ દ્વારા બબાલ

નાસી છૂટેલા આરોપીને પોલીસે એરગન સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૬ : ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા રાણાભાઈ નગાભાઈ ભાચકન નામના ૬૫ વર્ષના ગઢવી વળદ્ધની પુત્રી ધનીબેન (ઉ.વ. ૩૨) ના લગ્ન આજથી આશરે નવ વર્ષ પૂર્વે ગામ ગાગવા ગામે રહેતા તેમના બનેવી ભીખાભાઈ ભારાભાઈ શાખરાના પુત્ર પુંજા સાથે થયા હતા. લગ્નજીવન દરમ્‍યાન તેઓને હાલ સાત વર્ષનો પુત્ર છે.

ધનીબેનને તેણીના લગ્નજીવન દરમ્‍યાન છેલ્લા એકાદ વર્ષથી તેણીના પતિ પુંજા દ્વારા અવારનવાર મારવામાં આવતા ધાનીબેન તેણીના પુત્રને સાથે લઈને છેલ્લા આશરે છએક માસથી માવતર રહેવા ચાલી આવી હતી. આ દરમિયાન ગઈકાલે રવિવારે સાંજના સમયે જી.જે. ૧૦ ટીવી ૫૧૦૨ નંબરની ઇનોવા મોટરકારમાં ધસી આવેલા પુંજા ભીખા શાખરાએ મોટા માંઢા ગામે રહેતા તેના સસરાના ઘરે આવી અને આ કાર તેમના ફળિયામાં એક ઝાડ સાથે અથડાવી તેમાં નુકસાની પહોંચાડી હતી. ત્‍યાર બાદ આરોપી પુંજાએ કારમાંથી ઉતરીને ‘તમે મારી પત્‍નીને શું કામ મારા ઘરે મૂકતા નથી?' તેમ કહી તેના કમરના ભાગે રહેલા પિસ્‍તોલ જેવા હથિયાર રાખવાના કવર દેખાડી અને ‘તમને આ રીતે પતાવી દઈશ તો આટલી વાર લાગશે' તેમ કહી, બિભત્‍સ ગાળો કાઢી હતી.

આ શખ્‍સની મોટરકારમાં એક જાંબુડી કલરનું બંદૂક જેવું હથિયાર હોવાનું પણ વધુમાં ખુલવા પામ્‍યું છે. રાત્રિના દસેક વાગ્‍યે આરોપી પુંજા સાખરાએ પોતાના સસરાને ‘તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાખીશ'- તેમ કહી, મોટરકાર રિવર્સમાં લઈ અને તેમના પર ચડાવવાનો પ્રયાસ કરતા તેઓ જીવ બચાવી અને એક બાજુ ચાલ્‍યા ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

બબાલ સર્જીને નાસી ગયેલા આ શખ્‍સ સામે ખંભાળિયા પોલીસે તેના સસરા રાણાભાઈ નગાભાઈ ભાચકનની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૦૮, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે.

આ બનાવ દરમિયાન ખંભાળિયાના ઈન્‍ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા હેડ કોન્‍સ્‍ટેબલ ખીમાભાઈ કરમુર સહિતના સ્‍ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા - જામનગર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન અત્રેથી આશરે ૧૫ કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જી.જે. ૧૦ ટી.વી. ૫૧૦૨ નંબરની ઇનોવા મોટરકારમાં નીકળેલા પુંજા ખીમા સાખરા (રહે. ગાગવા) ની કારની અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી એક નાની તથા એક મોટી એરગન મળી આવી હતી. આ ઉપરાંત કારમાં રહેલા એક લેડીઝ પર્સમાંથી રૂપિયા ૮૯,૦૦૦ ની રોકડ રકમ તેમજ ચેકબુક અને પાસબુક પણ મળી આવ્‍યા હતા.

આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની મોટરકાર, એક નાની તથા એક મોટી એરગન તથા રૂપિયા ૫,૦૦૦ ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી, જી.પી. એક્‍ટની કલમ ૧૩૫ (૧) મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

(1:25 pm IST)