Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સોમનાથમાં સાંજે હોલિકા દહનઃ બુધવારે દ્વારકામાં ફુલડોલ ઉત્‍સવ

જુનાગઢના અંબાજી માતાજી મંદિર ઉપલા દાતાર ખાતે હોળી પર્વ ઉજવાશે

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હોળી-ધુળેટી પર્વ ઉજવવા થનગનાટ છે. સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આજે હોલિકા દહન કરાશે.

જયારે રંગોત્‍સવ બુધવારે ઉજવાશે. દ્વારકાધીશ મંદિરે બુધવારે ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે. જેને લઇને શ્રીજીના દર્શનનો ક્રમ જાહેર કરાયો છે. જેમાં તા.૭/૩ ના ફાગણ સુદ પુનમના મંગળા આરતી સવારે ૬ વાગ્‍યે વાગ્‍યે, બપોરે ૧ થી પ મંદિર બંધ અને સાંજે નિત્‍ય ક્રમ મુજબ દર્શન થઇ શકશે જયારે તા.૮/૩ ના ફુલડોલ ઉત્‍સવના દિવસે સવારે ૬-૩૦ વાગ્‍યે મંગળા આરતી, બપોરે ૧ વાગ્‍યે મંદિર બંધ અને બપોરે ર થી ૩ ઉત્‍સવ દર્શન થશે. જયારે બપોરે ૩ થી પ વાગ્‍યા સુધી મંદિર બંધ રહ્યા સાંજે ફરી કાળિયા ઠાકોરના દર્શન થઇ શકશે દ્વારકાધીશ મંદિરે ફુલડોલ ઉત્‍સવમાં ભાગ લેવા સૌરાષ્‍ટ્ર-ગુજરાતના રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, કચ્‍છ, સાબરકાંઠા, વડોદરા, અમદાવાદ અને આણંદ સહિતના જિલ્લામાંથી પદયાત્રીઓ પહોંચી ગયા છે. દ્વારકામાં પ્રવેશતા યાત્રીકોને દ્વારકાધીશના દર્શન માટે ધીરૂભાઇ અંબાણી માર્ગ ઉપર કિર્તિ સંતભના પટાંગણથી પ્રવેશ અપાશે અને યાત્રીકો સુદામાં સેતુ થઇ છપ્‍પન સીડીના પ્રવેશ દ્વાર થઇ મંદિરમાં પ્રવેશ કરશે અને દર્શન કર્યા બાદ મુખ્‍ય પ્રવેશ દ્વાર (સ્‍વર્ગ દ્વારા) પરથી મંદિરની બહાર નીકળવાનું રહેશે.

જુનાગઢમાં ગીરનાર શકિતપીઠ અંબાજી મંદિર પરિસર ખાતે આગામી તારીખ ૬ને સોમવારે ઉતાસણી પ્રગટાવવામાં આવશે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ જણાવ્‍યું કે તા. ૬ને સોમવારના રોજ સંધ્‍યા આરતી બાદ ઉતાસણી પર્વ ઉજવવામાં આવશે. સાથે કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્‍યામાં વર્ષોની પરંપરા મુજબ ગૌશાળાના પવિત્ર છાણાની ઉતાસણીનું પર્વ ઉજવવામાં આવશે હોલિકાનું પુજન અહિના મહંત ભીમ બાપુ અને પધારેલા ભાવિકજનો દ્વારા પુજન અર્ચન કરવામાં આવશે. આ ઉપરોકત જામનગર, અમરેલી, પોરબંદર, મોરબી સહિતમાં સોમવારે હોલિકા દહન થશે.

(1:05 pm IST)