Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

આજે મોરબી - કચ્‍છના સાંસદ વિનોદ ચાવડાનો જન્‍મદિવસ : દિવસભર વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી

૪૫માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે શુભેચ્‍છાઓની વર્ષા : લોકોની વચ્‍ચે રહી લોકસેવા સાથેનું જીવન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : કચ્‍છના યુવા જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડા આજે ૬ માર્ચના ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫માં વર્ષમાં પ્રવેશ કરતા હોઇ તેમના દીર્ઘાયુ, તંદુરસ્‍તી અને સેવા કાર્યોની જયોત જલતી રહે તે માટે તેમના શુભેચ્‍છકો, સ્‍નેહીઓ તથા તેમના સંચાલીત સંસ્‍થા સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.

કચ્‍છ લોક સભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ ભુજ દ્વારા આઝાદીના અમૃતકાલ અંતર્ગત સાંસદ ખેલ મહોત્‍સવ ગત તા.૧૮/૧થી ચાલતો ક્રિકેટ ખેલ મહોત્‍સવ ૪૫માં દિવસે તા.૬/૩ના રાત્રે સમાપન થશે. તદ્દઉપરાંત જન્‍મદિન નિમિતે આર.આર. લાલન કોલેજ ખાતે સવારે ૯.૩૦ના વૃક્ષારોપણ, સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગોને સાધન સહાય અને લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે હોસ્‍પિટલ રોડ, ભુજ સ્‍થિત ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત કરવામાં આવેલ છે. મારી દીકરી સમૃધ્‍ધ દીકરી અભિયાન હેઠળ ૫૦૦ દીકરીઓ ને સુકન્‍યા સમૃદ્ધિ યોજના હેઠળ ૫૦૦ દીકરીઓના ખાતા ખોલાવી પાસબૂકો વિતરણ હેડ પોસ્‍ટ ઓફિસ, ડોસાભાઇ ધર્મશાળાની પાસે ૧૨.૩૦ વાગ્‍યે કાર્યક્રમ આયોજીત કરેલ છે. પાસપોર્ટ ઓફિસમાં પ્રાથમીક સુવિધાઓ અને વોટર કુલરનું લોકાર્પણ સાંસદના હસ્‍તે થશે. મનરેગા સિમ્‍સ હોસ્‍પિટલ - અમદાવાદ અને કે.કે. પટેલ સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, સમાજ નવનિર્માણના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે મહિલા જાગૃતિ સેમિનાર આયોજીત કરી ૨૫૦૦૦ દીકરીઓને ૨ લાખ સેનેટરી પેડનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવશે, જેમાં ડો. અનધા ઝોપે, ડો. મોના શાહ અને ડો. દિવ્‍યા ટેકાણી ભુજ ટાઉન હોલમાં ૧૧ વાગ્‍યે મહત્‍વનુ માર્ગદર્શન અને મહિલા જાગૃતિ અંતર્ગત વ્‍યક્‍તવ્‍ય આપશે.

 મિલેટ્‍સને ભારત સરકારે વર્ષ ૨૦૨૩ આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરેલ છે. તે અંતર્ગત ઇનર વ્‍હીલ કલબ ઓફ ફલેમીંગો અને સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે મિલેટ્‍સ ફૂડ કોમ્‍પીટેશન રાજપુત સમાજવાડી, રઘુવંશી ચોકડી ભુજ મધ્‍યે સાંજે ૩ થી ૫ વાગ્‍યે રાખવામા આવેલ છે. કચ્‍છમાં સૌ પ્રથમ વખત કચ્‍છની શાન ભુજીયા ડુંગર સ્‍મૃતિવનમાં સવારે ૬:૩૦ના ટ્રેકિંગનો કાર્યક્રમ અને કચ્‍છના અબડાસા, નખત્રાણા, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ તાલુકાના અતિકૂપોષિત બાળકો ને દતક લઈ તેમને સુપોષિત કીટ વિતરણ પણ કરવામાં આવશે.

કચ્‍છના બધા જ તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદના જન્‍મદિન નિમિતે સાંસદ ખેલ મહોત્‍સવ તારીખ ૪ અને ૫ માર્ચના આયોજીત કરવામાં આવેલ છે. કચ્‍છ ગુજરાતના જનહિતના દરેક પ્રશ્નોને વાચા આપતા સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્‍મદિને સેવા અને સમર્પણ - લોકાર્પણના વિવિધ ઉપર મુજબના કાર્યક્રમોના આયોજન સાથે તેમના સ્‍નેહીઓ, શુભેચ્‍છકો તરફથી વિવિધ સ્‍થાનોએ ફ્રૂટ વિતરણ, નિરાધાર - વૃધ્‍ધાશ્રમ બાળકોને ભોજન સાથે વિકાસ વંચિતોને મદદરૂપ બનવાના સેવા કાર્યો પણ કરવામાં આવશે.

(12:28 pm IST)