Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હોળીનો તહેવાર એ રંગ અને પ્રેમનો તહેવાર છે જે સમગ્ર દેશમાં ખુબ જ ધામધુમથી ઉજવાય છે તેમાંયે વ્રજની હોળીનું અનેરૂ મહત્‍વ

દ્વારકા જગત મંદિરની હોળીના ડોલ ઉત્‍સવમાં ભારતભરમાંથી લોકો ઉમટી પડે છે : પુષ્‍ટી સંપ્રદાયના ધમાર ફાગ રસીયાના કિર્તન સાંભળવા એક લ્‍હાવો છે

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા., ૬: હોળીનો તહેવાર દેશના દરેક રાજયોમાં ખુબ જ ધામધુમ અને આનંદ ઉલ્લાસથી મનાવામાં આવે છે. આ રંગ અને પ્રેમનો તહેવાર છે. જેમાં નાના બાળકોથી યુવાનો મોટી ઉંમરના વડીલ પણ ખુબ જ ઉમંગથી ભાગ લ્‍યે છે. ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના કલાકારો પણ આ તહેવારને હોંશે હોંશે મનાવે છે. તેમાંયે સ્‍વ.રાજકપુરની તેમના આર.કે. સ્‍ટુડીયોમાં પોતાના પરિવાર અને સબંધીઓ અને અન્‍ય  કલાકારો નિમંત્રીને હોળી રમવાની રીત ખુબ જ પ્રખ્‍યાત હતી. આ તહેવારથી એક બીજા વચ્‍ચે પ્રેમ વધે છે તેથી જ ભારતમાં લોકો હોળીના દિવસની રાહ જોતા હોય છે.

વૃંદાવનના પ્રખ્‍યાત બાંકેબિહારી મંદીરમાં મહાહોળી ઉત્‍સવ મનાવવામાં આવે છે તેમજ મથુરામાં ગુલાલ કુંડમાં અલગ રીતથી હોળી મનાવવામાં આવે છે. તેમાં કૃષ્‍ણલીલા, નાટક, કિર્તનો સહીતના સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વ્રજની લાઠીમાર હોળીનું પણ અનેરૂ મહત્‍વ છે. તેમાં પુરૂષો માથે પાઘડી થાળી કે અન્‍ય આવરણ રાખે છે અને મહિલાઓ તેની ઉપર જોરશોરથી લાઠીના પ્રહાર કરે છે. આવી જ રીતે રાજસ્‍થાનના નાથદ્વારામાં પણ હોળી નિમીતે રાત્રે ઘોરના કાર્યક્રમમાં મુખ્‍ય મુખ્‍ય ચોકમાં સંગીત સાથે લાઠી રાસ અને મંદીરમાં ઠાકોરજીને અબીલ ગુલાલ કેશુડાનો કલરથી હોળી રમાડવામાં આવે છે. તેમજ ગુજરાત વિશ્વ વિખ્‍યાત દ્વારકાના જગત મંદીરમાં પણ હોળીનું અનેરૂ મહત્‍વ છે. દ્વારકાનો ડોલ ઉત્‍સવમાં દર્શનનો લાભ લેવા દેશ-વિદેશથી ભાવીકો મોટી સંખ્‍યામાં લાભ લ્‍યે છે.

ભારતીય સંગીતમાં હવેલી સંગીતનું અનેરૂ મહત્‍વ છે દેશભરની પુષ્‍ટી માર્ગીય હવેલીઓમાં ઠાકોરજીના અષ્‍ટસખા રચીત સવાર બપોર સાંજ અલગ અલગ રાગમાં કિર્તનો ગાવામાં આવે છે. તેમાંયે હોળીના  સમયમાં ગવાતા કિર્તનો એ કિર્તનની જુવાની છે. હોળીના સમયમાં રાગ વસંત, કાફી, ગૌરી, અને નુરસારંગ સહીતના મીઠા રાગમાં ગવાતા હોળી ધમાર, રસીયા અને ફાગના કિર્તનો ખુબ જ અદભુત છે અને આ કિર્તનો ઉપરથી અનેક હિન્‍દી ફિલ્‍મના ગીતો ખુબ જ પ્રચલીત થયા છે તેમાં અમિતાભ બચ્‍ચને ગાયેલુ રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે આ પણ હવેલી સંગીતનું રસીયા કિર્તન છે અને ઉપલેટાની બાલકૃષ્‍ણ કિર્તન મંડળી સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ખુબ જ પ્રખ્‍યાત છે. આ મંડળીના કિર્તનકારો વિદેશમાં પણ કિર્તન કરી મંડળીનું નામ રોશન કરેલ છે.  ઉપલેટાની સોની બજારમાં આવેલી વ્રજભુવન હવેલી ખાતે ગઇકાલે સાંજે દર્શનમાં ફુલહારના મનોરથનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમા મોટી સંખ્‍યાના વૈષ્‍ણવ ભાઇ-બહેનો રસીયા તાલુ જુમી ઉઠયા હતા અને વ્રજ જેવુ વાતાવરણ ઉભુ થયું હતું. આ કાર્યને સફળ બનાવવા મુખ્‍યાજી લલીત પ્રસાદ પુરોહીતના માર્ગદર્શન નીચે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ ભોલુ રાઠોડ)

(12:01 pm IST)