Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમદાવાદથી પરત ફરી રહેલા રાજકોટના બે મિત્રોની કાર દિવાલ સાથે અથડાઈ નાળામાં ખાબકી : એકનું મોત

રાળોલ ગામના પાટીયા પાસે બનાવ : સેકન્‍ડ હેન્‍ડ કાર ખરીદવા ગયા'તા : સંતકબીર રોડના વિમલભાઇપરમારનું મોત

 વઢવાણ,તા.૬ :  લીંબડી અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે કાર પલટી ખાઈ જતાં અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યાં હતાં. જ્‍યાં સારવાર દરમિયાન એક વ્‍યક્‍તિનું મોત નીપજ્‍યું હતું.

 રાજકોટથી અમદાવાદ સેકન્‍ડ હેન્‍ડ કાર ખરીદવા માટે ગયેલા બે મિત્રો અમદાવાદથી પરત ફરી રહ્યાં હતાં તે સમયે શનિવારે મોડી રાત્રે રળોલ ગામના પાટિયા પાસે આવેલી હોટલ પાસે હાઈવે પર રોડનું કામ ચાલુ હોવાથી વચ્‍ચેનો રસ્‍તો બંધ હતો. બેરિકેટ મુકેલા હોવા છતાં કાર ચાલકે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરીને સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર નાળાની દિવાલ સાથે અથડાઈને નાળામાં ખાબકી હતી.

કાર ચાલક વિમલભાઈ રમેશભાઈ પરમાર ઉ.વ ૩૦ રહે. સંતકબીર રોડ, ગઢીયાનગર, રાજકોટના પગ કારમાં સલવાઈ જતાં નાળામાં કાદવ અને પાણીના હિસાબે વિમલભાઈ પરમાર તથા તેમનાં મિત્ર જીગ્નેશભાઈ લક્ષ્મણભાઈ મૈયડને ઈજાઓ થતાં રાહદારીઓ દ્વારા બંન્ને ને કારમાંથી બહાર કાઢીને સારવાર અર્થે ૧૦૮ દ્વારા લીબડી સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યાં હતાં. જ્‍યારે ફરજ પરના તબીબે વિમલભાઈ રમેશભાઈ મકવાણાને પ્રાથમિક સારવાર દરમિયાન મળત જાહેર કર્યા હતા. તેમનાં મિત્ર જીગ્નેશભાઈ લક્ષ્મણભાઈ મૈયડને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખાતે ખસેડાયા હતા.

આ બનાવની જાણ પાણશીણા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ એચ.એચ.જાડેજાને થતાં પોલીસે ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્‍માતને કારણે ટ્રાફિક જામ થઈ જતાં લીંબડી સીપીઆઈએ ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી

(11:43 am IST)