Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાત્રે હોલિકા દહન : કયાંક કાલે તો કયાંક બુધવારે ધુળેટી

રંગપર્વમાં પણ ‘ધોકો' આવતા ૨ દિવસ ધુળેટી પર્વ ઉજવાશે

પ્રથમ તસ્‍વીરમાં ઉપલેટા અને બીજી તસ્‍વીરમાં ગોંડલમાં હોલિકા દહનની તૈયારી નજરે પડે છે. (તસ્‍વીર- વિમલ રાઠોડ (ઉપલેટા), ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ,તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે રાત્રે હોલિકા દહન સાથે હોળી પર્વની ઉજવણી થશે. જ્‍યારે કયાંક કાલે તો કયાંક બુધવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.

રંગપૂર્વ ધુળેટીમાં પણ ‘ધોકો' આવતા લોકો ૨ દિવસ ધુળેટી પર્વની ઉજવણી કરશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્‍ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન આજે સાંજે (સોમવારે) યોજાશે. ધોરાજીના ખરાવડ પ્‍લોટ ખાતે આવેલ માધવ ગૌશાળાના ભુપતભાઇ કોયાણીએ યાદીમાં જણાવેલ કે આજે સોમવારને ફાગણ સુદ ૧૫ પૂનમ સવંત ૨૦૭૯ના રોજ હોળીના તહેવાર નિમિતે માધવ ગૌ શાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્‍સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્‍કૃતિ તેમજ હિન્‍દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવવાનું આયોજન કરેલ છે. આ હોળી ઉપર પૂર્વ કદની હોલિકા બેસાડવામાં આવશે. હોળીને રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારી રંગોળી પૂરવામાં આવશે. સોમવારના રોજ સાંજના ૮:૩૦ કલાકથી ભવ્‍ય આતશબાજી તેમજ ભૂદેવ દ્વારા શાષાોકત વિધિથી પૂજન વિધિ બાદ હોલિકા દહન ડીજેના તાલે હોળીના ગીતોથી થશે. તો દરેક ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનોને પધારવા માધવ ગૌ સેવા ટ્રસ્‍ટ ધોરાજી હાર્દિક આમંત્રણ પાઠવે છે.

કેશોદ

(વિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ : અવાર નવાર અલગ અલગ હિન્‍દુ તહેવારોમાં થાય છે તે રીતે બે દિવસ પછી આવી રહેલા ધુળેટીના તહેવારમાં પણ હોળી પછી એક દિવસનો ધોકો અને ત્‍યારપછી ધુળેટી આવે છે. પરંતુ કેશોદની જનતાએ આ ધોકાને અલવિદા કરી મંગળવારે ધુળેટીનો તહેવાર ઉજવી લેવાનું નક્કી કર્યું છે.

સામાન્‍ય રીતે દિવાળી, બેસતુ વર્ષ, ભાઇબીજ, ધુળેટી, જન્‍માષ્‍ટમી જેવા અલગ અલગ હિન્‍દુ તહેવારોમાં અવાર નવાર એક દિવસનો ધોકો આવે છે. અને લગભગ મોટાભાગના વિસ્‍તારોમાં આ ધોકાને માન આપી જેતે તહેવારની ઉજવણીમાં એક દિવસનો વિરામ રાખવામાં આવે છે.

પરંતુ આ વિસ્‍તારની જનતાને આ હકિકત સાથે લાગેવળગે છે ત્‍યાં સુધી કોઇ હિન્‍દુ તહેરવારોમાં આવતા આવા ધોકાને મહત્‍વ આપતા નથી અને જે તે તહેવાર ભારે આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવી બીજા જ દિવસથી સૌ પોત-પોતાના કામ ધંધે વળગી જાય છે.

ધુળેટીના આ તહેવારમાં પણ વરસોજુના આ ક્રમને જાળવી રાખવામાં આવનાર છે. સોમવારે હોલીદહન થનાર છે અને મંગળવારના રોજ ધુળેટીની ઉજવણી કરવામાં આવનાર છે. સોમવારે રાત્રિના હોલીકાદહન માટે અલગ અલગ વિસ્‍તારમાં આ માટેની તૈયારીઓ થઇ ચુકેલી છે.

ઉપલેટા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા : અહિંના ટાવર રોડ ઉપર આવેલ નવયુગ ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ઉત્‍સવ ખૂબ જ ભકિતભાવથી શાનદાર રીતે ઉજવવામાં આવશે. જેમાં છાણાના ઢગલા ઉપર હોલીકા અને તેના ખોળામાં પ્રહલાદનું આકર્ષક રીતે શણગારવામાં આવેલ છે. આ પ્રખ્‍યાત હોળીમાં ખાસ કરી આહેર જ્ઞાતીમાં જેમને ત્‍યાં દીકરાનો જન્‍મ થયો હોય ત્‍યાં વાળનું આયોજન કરે છે તેમાં સગા સંબંધી મિત્રો માટે જમણવારનું આયોજન કરે છે અને રાત્રે હોળીના સ્‍થળે ડીજે અને ઢોલ નગરા સાથે ભાઇ બહેનોની વિશાળ હાજરી સાથે પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેવા વાળી વાળા તમામ પરિવારો આ નવયુગ ચોકની હોળીમાં દર્શન માટે આવે છે.

(11:29 am IST)