Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

BAPS દ્વારા સારંગપુરમાં કાલે પુષ્‍પદોલોત્‍સવ : તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ : તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણના સમયથી  પુષ્‍પદોલોત્‍સવ ખૂબ ભવ્‍યતા અને દિવ્‍યતા સાથે ઉજવાતો આવ્‍યો છે. આ વખતે પણ સારંગપુર ખાતે પુષ્‍પદોલોત્‍સવ તા.૭ ના મંગળવારે આયોજીત કરાયો છે. જેની તડામાર તૈયારી છેલ્લા અઠવાડિયાઓથી પૂરજોશમાં ચાલી રહી છે. વિભિન્ન પ્રદેશોમાંથી ભક્‍તસમુદાય આ ઉત્‍સવમાં પધારશે. મોટી સંખ્‍યામાં આવનાર હરિભક્‍તોને કોઈ અગવડ ન પડે તે માટેની કાળજી લેવાઇ રહી છે. ૩૦ જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાત અને અનુભવી સંતો તથા અન્‍ય સ્‍વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્‍યવસ્‍થા પણ કરાઈ છે. ભક્‍તોના સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં રાખીને તબીબી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. જેમાં મેડિકલ વિભાગના નિષ્‍ણાત તબીબો અને ઈમરજન્‍સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે. કાલે તા.૭ ના સાંજે ૫ વાગ્‍યે  પુષ્‍પદોલોત્‍સવની વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સૌ ભક્‍તો ભગવાન તથા ગુરૂના ચરિત્રોનું સ્‍મરણ કરશે તથા પૂજય મહંતસ્‍વામી મહારાજના સંગે ભક્‍તિ તથા જ્ઞાનના રંગે રંગાશે. આમ ભારતીય ધુળેટીના  તહેવારને ભક્‍તિ ભેળવીને ઉત્‍સવનું સ્‍વરૂપ અપાશે.

(11:26 am IST)