Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતની લોકકલા અને લોકસંસ્કૃત્તિ ગુજરાતની આગવી ઓળખ છે : નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા

અમરવેલી અમરેલીના આંગણે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ:અમરેલી ખાતે રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩માં કલાકારો લોકનૃત્ય, સમૂહ ગીત, ચિત્રકલા, દુહા, છંદ અને ચોપાઈ સહિતની કૃતિઓ રજૂ કરશે

અમરેલી :અમરવેલીથી ઓળખાતા એવાં અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ ભવ્ય શુભારંભ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

 રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી કલાકારોએ વિવિધ કૃત્તિઓની અદ્ભૂત પ્રસ્તુતિ કરી હતી. રાજ્યકક્ષાની આ ત્રિવસીય સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ ઉપરાંત તમામ વયજૂથ વિભાગના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. લોકનૃત્ય, સમૂહ ગીત, લોકવાર્તા, ચિત્રકલા, ભરતનાટ્યમ, રાસ, ભજન-લોકગીત, નિબંધ, વકતૃત્વ, તબલા, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય, કાવ્ય અને ગઝલ લેખન, દેશના નામાંકિત અને વિશ્વ વિખ્યાત કુચીપુડી, મોહિની અટ્ટમ, કથ્થક જેવાં નૃત્યો, લગ્નગીત, સિતાર અને મૃદંગમ વાદન, સારંગી અને રાવણહથ્થો સહિતની સ્પર્ધાઓ યોજાશે.આ તમામ સ્પર્ધાઓ શ્રી કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય-અમરેલી, શ્રી રાજા સ્કૂલ ઓફ આર્ટ ફોરવર્ડ સ્કૂલ મેદાન-અમરેલી, શ્રી દીપક હાઇસ્કૂલ-અમરેલી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અમરેલી ખાતે યોજાશે. આ ઉપરાંત આજથી શરુ થતી આ સ્પર્ધામાં રાજ્યના ખુણે ખુણેથી પ્રતિભાવંત કલાકારો ભાગ લઈ રહ્યા છે.

 સ્પર્ધાના પ્રથમ દિવસે દેસાઈ કે. કે. હાઇસ્કૂલ, ધમડાછા-નવસારી, બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી-વડોદરા શહેર, ઈ. એમ. આર. એસ. ગારખડી-ડાંગના કલાકારોએ લોકનૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતની લોકકલા અને લોકસંસ્કૃત્તિ ગુજરાતની આગવી ઓળખ છે. આ સંસ્કૃત્તિને વધારે પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર રમત ગમત ઉપરાંત વિવિધ કલાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ સ્પર્ધા થકી કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 સાંસદ નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આ કલા મહાકુંભ થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું ઉમદા કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે અને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોના પરિણામો પણ હવે જોવા મળી રહ્યા છે.

રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩ ઉદ્ધાટન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ  રેખાબેન મોવલીયા, ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા,  જિલ્લા રમત ગમત અધિકારી કુરેશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:28 pm IST)