Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભુજ :જન ઔષધિ દિવસના ઉપલક્ષમાં સ્મૃતિવન ખાતે હેરિટેજ વોકનું આયોજન કરાયું

જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ હેરિટેજ વોકમાં સહભાગી થઈને જન ઔષધિનો ઉપયોગ કરવા અપીલ કરી

ભુજ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ અન્વયે જન ઔષધિ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે માટે જિલ્લા આરોગ્ય શાખા ભુજ કચ્છ દ્વારા સ્મૃતિવન મેમોરિયલ ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ હેરિટેજ વોકમાં સહભાગી થઈને જન ઔષધિને પ્રાધાન્ય આપવા લોકોને અપીલ કરી હતી. આ હેરિટેજ વોક સ્મૃતિવન પરિસરથી શરૂ થઈને સન પોઈન્ટ સુધી પહોંચી હતી. આ પ્રસંગે સ્મૃતિવન પરિસરથી સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારત થીમ અંતર્ગત યોજાયેલી સાઈકલ રેલીને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચ “જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પાંચમો જન ઔષધિ દિવસ “જન ઔષધિ-સસ્તી પણ અને સારી પણ” ની સૂચિત થીમ સાથે ઉજવવામાં આવનાર છે.  જે માટે ૦૧ માર્ચથી ૭ માર્ચ ૨૦૨૩ સુધી તમામ શહેરો/નગરોમાં એક અઠવાડિયા સુધી જાગૃતતા ઉભી કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.ફૂલમાલી, કચ્છ સિવિલ સર્જન શ્રી ડૉ. કશ્યપ બૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એન.આર.સૈયદ, આરોગ્ય વિભાગના ડીક્યુએમઓ ડૉ.અમીન અરોરા, વિપૂલ દેવમૂરારી, ડૉ.આશિષ પટેલ, કેયૂરભાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:26 pm IST)