Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

બાબરા પંથકમાં દોઢ વિઘામાં અફીણની ખેતી

સૌરાષ્ટ્રમાં પ્રથમ જ વારની ઘટના : અમરેલી પોલીસ વડા દ્વારા ચાલતુ ગુપ્ત ઓપરેશન : ખળભળાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૬: અમરેલી જીલ્લામાં અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ગાંજાનું વાવેતર પકડાઇ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં આજ સુધી અફીણનું વાવેતર પકડાયુ નથી. પરંતુ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ બાબરા પંથકમાં પોલીસ દ્વારા અફીણની જબરી ખેતી ઉપર છાપો પાડવામાં આવ્યો હોવાનું અને પોલીસ દ્વારા અતિ ગુપ્તતાથી ઓપરેશન શરૂ હોવાનું જાણવા મળેલ છે.

રાજસ્થાન તથા વિદેશમાં અફઘાનીસ્તાન જેવા વિસ્તારોમાં અફીણની ખેતી થાય છે અફીણમાંથી તેની બાય પ્રોડકટ તરીકે પોષના ડોડવા સહિતના નશીલા પદાર્થો બને છે. આજ સુધી સૌરાષ્ટ્રમાં કયારેય એવુ સાંભળવા મળ્યુ નથી કે અહીં અફીણની ખેતી થતી હોય ઘણી વખત ચલમમાં પીવાતો ગાંજો અને તેનુ વાવેતર પકડાતુ હોય છે પરંતુ અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા બાબરાના ખંભાળા પાસેના સીમ વિસ્તારમાં દોઢેક વિઘા જેટલી જમીનમાં અફીણની ખેતી ઝડપાઇ છે ખેતી કેવડી છે, કેટલો મુદામાલ છે, કોણ કોણ સંડોવાયેલુ છે ? તેની તપાસ બે દિવસ સુધી ચાલે તેવી શકયતા છે પણ અફીણની ખેતી ઝડપાયાના સમાચારે જિલ્લાભરમાં ખળભળાટ મચાવી દીધો છે.

(1:33 pm IST)