Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દિકરીઓ બની ઘરની ઓળખ : કચ્છના નાનકડા ગામોની અનોખી પહેલ !!

ઘર કી પહેચાન બેટીઓ કે નામ, કચ્છના મોટા અંગીયા, નિરોણા, મસ્કા, કુકમા, કુનરિયા અને સિનુગ્રા ગામ બન્યા પ્રેરણારૂપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૬:  ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત કરવી છે, ગ્રામ્ય સ્તરે આવી રહેલા એક અનોખા બદલાવની. હવે, કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં દિકરીઓ બની રહી છે ઘરની ઓળખ!!. અલબત્ત્। આ બદલાવમાં રાજયના મહિલા અને બાળ વિભાગની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બદલાવના અનુભવ વિશે જાણવા મોટા અંગિયા ગામે અમે પહોંચ્યા ત્યારે ઉમર ભા (ભાઈ)એ પૂછ્યું, કેં જે ઘરે વનણો આય ? ! (કોના ઘરે જવું છે) અમે કહ્યુ ,રૂબીના બકાલી.. અને ભા'એ આંખોમાં ચમક સાથે ઈશારો કર્યો. જયાં એક ઘરનો દરવાજો અમને આવકારતો હતો. ઘરના મોટા દરવાજા પર નેઈમ પ્લેટ પર લખેલું હતું રૂબીના બકાલી.... બેટી બચાવો બેટી ભણાવો. મોટા અંગિયા.... ઘર કી પહેચાન બેટીઓ કે નામ...... જોઇને મન હરખાઇ ગયું.

દિકરી બે ઘરનો દીવો અને ત્રણ ઘર અજવાળે... આ માત્ર સુંવાળા શબ્દો જ નથી પણ ગ્રામ્ય સ્તરે ઉભરેલી વાસ્તવિકતા છે........... આપણે કોઇના ઘરનું સરનામું પુછીએ તો એમ બોલતા હોઇએ છીએ કે આ ભાઈ કે ફલા ભાઇનું ઘર કયાં આવ્યું......... અથવા એમના વ્યવસાયને સાંકળી ભાઇનું નામ પુછી ઘર શોધીએ.

મોટા ભાગે બધે એવું જ હોય છે પણ હવે સમાજની તાસીર બદલાઇ રહી છે જેનું એક ઉદાહરણ છે કચ્છના નખત્રાણા તાલુકાનું મોટા અંગીયા ગામ. અહીં અમે ગયા પંદર વરસની નીષા સોનીના ઘરે, હા, પિતા અને પરિવારે દિકરીને ગૌરવ ગણી પોતાના ઘરને દિકરીનું નામ આપ્યું છે.

કચ્છ જીલ્લામાં નખત્રાણા તાલુકાના મોટા અંગિયા અને નિરોણા ગામમાં હાલે ૧૫૦ જેટલા ઘરોમાં દિકરીઓના નામ તેમના પરિવારે સહર્ષ સ્વીકાર્યા છે. જયારે મસ્કા, કુનરીયા અને કુકમા ગામના પરિવારો દિકરીઓના નામે ઘર કરવા ઉત્સાહ સાથે થનગની રહયા છે એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ જણાવ્યું હતું. વધુમાં તેઓ કહે છે કે, પ્રાથમિક તબકકે બે માસથી પ્રારંભ કરેલ બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણી અંતર્ગત જાન્યુઆરીમાં મહિલા શકિત કેન્દ્ર દ્વારા કરાયેલ પહેલામાં નખત્રાણાના નિરોણા અને મોટા અંગીયા ગામે દીકરીઓના નામે ઘર એ કાર્યક્રમનો લોકોએ સહર્ષ સ્વીકાર સાથે કર્યો છે.

મોટા અંગીયાના સરપંચશ્રી ઈકબાલભાઇની આગેવાની હેઠળ અને નખત્રાણા પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરાની આગેવાની હેઠળ ગામની દિકરીઓ તેમજ તેમના માતાપિતાના હસ્તે તેમના ઘરની ઓળખ દિકરીના નામ પર થાય તે માટે તેમના હાથે જ ઘરની નેઇમ પ્લેટ દિકરીઓના નામે લગાવવામાં આવી હતી.

જેમ જેમ જાગૃત નાગરિકો આ વિશે માહિતગાર થાય છે તેમ તેઓ પણ વ્હાલી દિકરી સાર્થક કરતાં પોતાના ઘરને દીકરીનું નામ આપવા ઉમળકો બતાવી રહ્યા છે.

માંડવી તાલુકાનું મસ્કા ગામ, ભુજ તાલુકાના કુકમા અને ખાવડાના ડુમાળો ગામની આસપાસનો વિસ્તાર તેમજ અંજાર તાલુકાના સિનુગ્રાના લોકોએ ખુબ સુંદર ઉત્સાહ દર્શાવ્યો છે. જેથી આગામી ૮મી માર્ચ મહિલા દિને અમે મસ્કા અને સિનુગ્રા ગામે 'ઘરકી પહેચાન બેટીઓ કે નામ ઉજવવાના છીએ' એવું અવનીબેનને જણાવ્યું હતું. જયારે મોટા અંગીયા અને નિરોણા ખાતે ૦ થી ૬ માસની ગામની દિકરીઓને દિકરી વધામણી કીટનું પણ વિતરણ કરાયું હતું.

દીકરીઓ ના નામે ઘરની નેઈમ પ્લેટ કરતી વખતે અમે સૌના મોં મીઠા કરાવીએ ત્યારે પરિવારજનો ઉપરાંત ખાસ કરીને દિકરીઓ તેમજ માતાઓના ચહેરા ઉપર અનેરી ખુશી હોય છે.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના અભિયાન ભાગરૂપે થઇ રહેલા આ કાર્યક્રમમાં કચ્છના લોકો ઉત્સાહ દેખાડી રહયા છે.

(11:41 am IST)
  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST

  • ગુજરાત સહિત ૪ રાજ્યોમાં આવતા લોકો માટે રાજસ્થાન સરકારે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતાં લોકો માટે રાજસ્થાન સરકારે કોવિદ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ચારેય રાજ્યોમાં કોરોના કેસો તાજેતરના સમયમાં વધતા જતા માલુમ પડ્યા છે. access_time 11:05 am IST

  • રાજકોટ કલેકટર રેમ્યા મોહને કોરોના વેક્સીનનો આજે બીજો ડોઝ લીધો access_time 4:16 pm IST