Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

જસદણમાં ૨ જીનીંગ મીલમાં ૧૮ લાખની ચોરી

બંને જગ્યાએ ચોરી કરનાર એક જ ટોળકી હોવાનું સીસીટીવી ફુટેજમાં ખુલ્યું : પોલીસ તપાસનો ધમધમાટ

આટકોટ તા. ૬ : જસદણના બે જીનીંગ મીલમાં ગત રાત્રે ૧૮ લાખ રૂપિયાની ચોરી થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ બંને જીનીંગ મીલમાં બે વ્યકિતઓ જીનીંગની પાછળની સાઇડમાંથી ઘુસી ઓફિસમાંથી રોકડ મત્તા લઇ નાશી ગયા છે. બંને જગ્યાએ એક જ ટોળકી હોવાનું સીસીટીવીમાં દેખાઇ છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સૌ પ્રથમ જસદણ બાયપાસ રોડ ઉપર આવેલ ઘેલા - સોમનાથ ચોકડીથી જસદણ ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ ખુશી જીનીંગમાં બે તસ્કરો પાછળથી રાત્રે દોઢ વાગ્યા આસપાસ અંદર આવી ઓફિસમાં ઘુસી ગયા હતા. જ્યાં ટેબલના ખાનામાં પડેલા ૧ લાખ ૬૬ હજાર રૂપિયા લઇ નાશી છુટયા હતા.

સીસીટીવીમાં કેદ થયેલા આ બે તસ્કરો ૧.૩૦ વાગ્યા આસપાસ અંદર ઘુસ્યા હતા અને ૧.૫૦ વાગ્યા આસપાસ પરત જતા રહ્યા હતા.

આ દરમિયાન ઓફિસની બાજુમાં પડેલ ઇનોવા કારના કાચ તોડી તેની અંદર પણ તપાસ કરી હતી પરંતુ કારમાંથી કંઇ હાથ લાગ્યું નહોતું.

ત્યારબાદ આ જ બંને જસદણ લીલાપુર રોડ ઉપર અને ખુશી જીનીંગથી ૪ કિ.મી. દુર આવેલ શ્રી સોમનાથ કોટેક્ષ ખાતે પણ પાછળથી અંદર ઘુસી ઓફિસમાં તીજોરીમાં પડેલા ૧૬ લાખ પચાસ હજારની રોકડ રકમ લઇ નાસી છૂટયા હતા.

શ્રી સોમનાથ કોટેક્ષમાં પણ સીસીટીવીમાં આ બંને તસ્કરો કેદ થઇ ગયા છે. શ્રી સોમનાથ કોટેક્ષમાં બંને તસ્કરો રાત્રે ૨.૫૦ વાગ્યે કેમેરામાં આવતા દેખાય છે અને દસ જ મીનીટમાં કામ તમામ કરી નાસી છૂટયા હતા.

આ બનાવની જાણ થતાં ખુશી જીનીંગના માલિક ઇમરાનભાઇ હુસેનભાઇ ખીમાણી અને શ્રી સોમનાથ કોટેક્ષના માલિક રાજુભાઇ મનસુખલાલ જોષીએ પોલિસને જાણ કરતા ઇન્ચાર્જ પી.આઇ. ગોલવાકર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

સોમનાથ કોટેક્ષમાં સવારે કપાસની ગાડીઓ ભરવા જવાની હોય સાડા - પાંચ લાખ રૂપિયાના ત્રણ પેકેટો તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. જે ત્રણેય પેકેટો લઇ ગયા છે.

આ અંગે હજુ આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરીયાદ દાખલ નથી થઇ.

આ બનાવની જાણ થતાં ડોગ સ્કોડ સહિત ફોરેન્સીક નિષ્ણાંતોની ટીમ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

(12:00 pm IST)