Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ગારીયાધાર બસ સ્ટેશનનું લોકાર્પણ : નેતાઓ અને પ્રજાજનોની ગેરહાજરી : મોટું આયોજન નિરસ રહ્યું

ગારીયાધાર, તા. ૬ : ગારીયાધાર શહેર માટે ર કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા એસ.ટી. ડેપોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષ વિભાવરીબેન દવે અને ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી ગેરહાજર રહેતા લાંબા સમય બાદ સાંસદ નારણભાઇ કાછડીયા દેખાયા હતા જે કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, એસ.ટી.ના કર્મચારીઓ અને ડેપોદના સફાઇ કામદારો સિવાઇ કોઇ હાજર રહેવા પામ્યું ન હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંડપનું સમિયાણુ  અડધા ઉપર ખાલી રહેવા પામ્યું હતું.

સાંસદ નારણભાઇ કાછડીયાનું પ્રવચન પૂર્ણ થતાં જ છેલ્લા પાંચ દિવસથી મામલતદાર કચેરી બહાર ન.પા.ની સનદની પ્રશ્નમાં બેઠેલા મારવાડીનગરની મહિલાઓ કાર્યક્રમના સ્ટેજ સુધી પોતાની રજુઆતો લઇને માથા પર કાળી પટ્ટીઓ બાંધીને દોડી આવ્યા હતા. જેમના પ્રશ્નને લઇ સાંસદ દ્વારા મામલતદારને પૂછતાછ પણ કરાઇ હતી. જયારે લોકો રજુઆત લાવતા ગારીયાધાર ભાજપાના કાર્યકરો સ્ટેજ છોડીને ભાંગી રહ્યા હતા. કેટલાક આવી રજૂઆતો સાંભળવાની ન હોય તેવું પણ બોલી રહ્યા હતાં.

જયારે આ સમગ્ર મામલે બંદોબસ્તમાં આવેલી પોલીસે સમગ્ર ઘટનાને નિહાળી હતી.

આ કાર્યક્રમને લઇને લાંબા સમયથી ગારીયાધાર-દ્વારકા અને ગારીયાધાર-સોમનાથ બે બંધ થયેલા રૂટો આગામી એક સપ્તાહમાં ચાલુ થશે તેવું સાંસદ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. વળી આ સમગ્ર કાર્યક્રમમાં શહેરીજનોની ગેરહાજરી અને અરજદારોના વિરોધ જોતા લોકાર્પણનો કાર્યક્રમ નિરસ રહ્યો હતો. (૮. ૧૦)

 

 

 

(12:23 pm IST)