Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ખનીજ ચોરી : તાલાલાના કોંગી સભ્ય બારડ સસ્પેન્ડ

કોર્ટે બે વર્ષથી વધુની સજા ફટકારતાં સસ્પેન્ડ કરાયા : ખનીજ ચોરીના કેસમાં તાજેતરમાં જ સૂત્રાપાડા કોર્ટે કોંગી ધારાસભ્યને સજા કરી હતી : કોંગીને વધુ એક મોટો ફટકો

અમદાવાદ,તા. ૫ : ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાનભાઇ બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તાજેતરમાં જ સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરી કેસમાં આરોપી કોંગી ધારાસભ્ય ભગવાનભાઇ બારડને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય ભગવાનભાઇ બારડને સસ્પેન્ડ કર્યા હતા. બીજીબાજુ, કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ અને વિધાનસભા અધ્યક્ષ પર કિન્નાખોરી અને રાગદ્વેષનો આક્ષેપ કર્યો હતો. તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં બે વર્ષ અને ૯ મહિનાની આકરી સજા ફટકારી હતી. કોર્ટના આ ચુકાદાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બીજીબાજુ, રાજકીય વર્તુળમાં પણ આ સમાચારને પગલે ભારે ગરમાવો આવી ગયો હતો. ખાસ કરીને કોંગ્રેસના વર્તુળમાં ભારે ચિંતાની લાગણી ફરી વળી હતી. જો કે, નીચલી કોર્ટના આ હુકમ સામે કોંગી ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા હવે ઉપલી અદાલતમાં અપીલ કરાય તેવી શકયતા છે.  સને ૧૯૯૫માં સરકારી ગૌચર જમીનમાંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં સૂત્રાપાડા કોર્ટે ચુકાદો જાહેર કરી ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની સખત કેદની સજા ફટકારી હતી. જેને પગલે રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫માં સુત્રાપાડાની સરકારી ગોચર જમીનમાંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાંકોંગી ધારાસભ્ય ભગવાન બારડ સહિતના સંબંધિત લોકો સામે આઈપીસી-૩૭૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ગત તા.૧-૩-૧૯ના રોજ સુત્રાપાડાની જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી છે. આમ કોંગી ધારાસભ્યને સજા મળતા કોંગ્રેસમાં પણ ચુકાદાને લઇ ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં આપેલા ચુકાદા મુજબ, ૧૯૫૧ની લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૮(૩) મુજબ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ પણ કેસમાં બે વર્ષથી વધુ સજા મળે તો તેને ગેરલાયક ઠેરવી શકાય છે. જો કે, સુપ્રીમ કોર્ટે સાંસદ કે ધારાસભ્યની સજા પર સ્ટે આપ્યો હોય તો તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પણ જો સ્ટે ન આપ્યો હોય તો તે ગેરલાયક ઠરે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ સાંસદો કે ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસોમાં ભાગ્યે જ સ્ટે આપે છે. ભગવાન બારડ સસ્પેન્ડ થતાં વિધાનસભામાં હવે કોંગ્રેસના ૭૪ ધારાસભ્ય જ રહ્યા છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી. આ પહેલા કુંવરજી બાવળિયા અને ડો.આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસની ધારાસભ્યોની સંખ્યા ૭૪ પર આવી ગઈ છે. આમ ઉંઝા અને તલાલાની બેઠકો ખાલી પડતા હવે પેટાચૂંટણી કરવી પડશે. હાલ વિધાનસભામાં ભાજપ-૧૦૦, કોંગ્રેસ ૭૪, એનસીપીને એક, બીટીપી બે અને અપક્ષ ત્રણ સહિત ૧૮૦ ધારાસભ્યો રહ્યા છે.

(7:39 pm IST)