Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પોલેન્ડના રાજદૂત પીઓટ્ર ક્લોડકોવષ્‍ટી જામનગરની બે દિવસની મુલાકાતેઃ જામનગરના રાજવી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત

જામનગરઃ નવી દિલ્હી ભારત ખાતેના પોલેન્ડના રાજદૂત પિઓટ્ર કલોડકોવષ્ટી આજે બે દિવસની જામનગરની મુલાકાતે આવી પહોચતા એરપોર્ટ ખાતે તેઓનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલેન્ડના રાજદૂત મુંબઇથી જામનગર આવેલી ફ્લાઇટમાં આજે બપોરે આવી પહોંચ્યા હતાં. વર્ષ ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી ચાલેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં મુશ્કેલીમાં મુકાયેલા ૫૦૦ જેટલા પોલેન્ડના બાળકો અને મહિલાઓ ભરેલું જહાજ જામનગર આવી પહોંચ્યું હતું અને તે વેળાએ જામનગરના રાજવી જામશ્રી દિગ્વિજયસિંહજી જાડેજાએ પોલેન્ડના ૫૦૦ નાગરિકોને રાજ્યાશ્રય આપ્યો હતો. દુનિયાના અનેક દેશોએ આપેલા જાકારા બાદ જામનગરના રાજવીએ માનવતા અને શૌર્યનો પરિચય આપીને પોલેન્ડની મહિલાઓ અને બાળકોને રાજ્યાશ્રય આપ્યો હોય. રાજ્ય હસ્તકના બાલાચડી ગામ જ્યાં હાલ ભારત સરકાર સંચાલિત સૈનિક સ્કૂલ આવેલી છે તે સ્થળે પોલેન્ડના નાગરિકોને આશરો આપવામાં આવ્યો હતો જે તમામ શરણાર્થીઓને રહેવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. 

તો જામનગરના રાજવી પરિવારે પોલેન્ડવાસીઓને આપેલા આશરાનું એ ઋણ પોલેન્ડ દેશ અને તેની સરકાર પણ ભૂલી ના હોય જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન પોલેન્ડના નાગરીક સમુહે આભારના પ્રતિકરૂપે આર્થિક મદદ કરી જામનગરને ભેટરૂપે ઇ.એસ.આર. બનાવી આપ્યો હતો જે આજે પણ ઉપયોગમાં લેવાય છે. આ પછી પોલેન્ડના રાજદૂતે તાજેતરમાં નવી દિલ્હી ખાતે આ પ્રસંગને એક કાર્યક્રમમાં યાદ કરી જામનગરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે મુજબ તેઓએ બે દિવસનો કાર્યક્રમ ઘડ્યો હતો. જે કાર્યક્રમને પગલે આજે બપોરે મુંબઇથી જામનગર આવતી ફ્લાઇટમાં તેઓ જામનગર આવી પહોંચ્યા હતા.

તેઓ આજે અને આવતીકાલે જામનગરના પ્રવાસ દરમિયાન બાલાચડી ખાતેની સૈનિક સ્કૂલની મુલાકાત લેશે. તેમજ ઉમદા રીતે આશરા ધર્મ નિભાવનાર નવાનગર (હાલનું જામનગર) રાજ્યના રાજવી જામશ્રી દિગ્વીજયસિંહના પુત્ર પુર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામ સાહેબ)ની પણ શુભેચ્છા મુલાકાત લઇ રૂબરૂ આભારની લાગણી વ્યક્ત કરનાર હોવાનું જાણવા મળે છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેન્ડના ૫૦૦ બાળકો અને મહિલાઓ જ્યારે મુશ્કેલીમાં આમતેમ ભટકતા હતા અને કોઈ આશરો આપવા તૈયાર ના હોય ત્યારે જામનગરના રાજવી પરિવારે રાજ્યાશ્રય આપીને માનવતાને મહેકાવી હતી અને જામનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલા ગૌરવવંતો ઈતિહાસ આજેય રાજવી પરિવારની યશકલગીમાં ઉમેરો કરે છે તો પોલેન્ડની સરકાર પણ આ ઋણ હજુ સુધી ભૂલી ના હોય, અનેક પ્રસંગોએ આભાર વ્યક્ત કરી જામનગરના રાજવી પરિવારના એ કાર્યને આજેય બિરદાવી રહ્યા છે.

(8:50 pm IST)