Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

વાંકાનેર પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

તંત્રએ કામગીરી શરૂ કરતા દબાણ કરનારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવા લાગ્યા

વાંકાનેર, તા. પ :  માથાના દુઃખાવા રૂપ બનેલી ટ્રાફિક સમસ્યા હલ કરવા પાંચ દિવસ પહેલા પોલીસ અને પાલીકાના અધિકારીઓ પદાકિારીઓ અને વેપારીઓની મીટીંગ મળેલ. ત્યારે નક્કી થયા મુજબ હોળી ધુળેટીના તહેવારો બાદ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાશે તેવી જાહેરાત થયેલ.

જે ખાત્રીની અમલવારી આજે સવારથી હાઇવે જકાતનાકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, શહેર પોલીસના પી.આઇ. બી.ટી. વાઢીયા, નગરપાલિકા બાંધકામ ખાતાના હેડ વિનુભાઇ સચાણીયા, સેનીટેશન ખાતાના હેડ દિપકસિંહ ઝાલા સહિતના નગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ ખાતાના સ્ટાફ બંદોબસ્ત વચ્ચે બે જે.સી.બી. સાથે ગેરકાયદે ખડકાયેલા હોર્ડીંગ્સ-છાપરાઓ તોડી પાડવાની કામગીરી શરૂ થતાની સાથે જ મુખ્યમાર્ગો ઉપર દબાણ રૂપ રેકડી-કેબીન ધારકોને સુચના અપાતાની સાથે જ.

રેકડી-કેબીન સ્વેચ્છાએ દૂર કરવા લાગ્યા હતા તો ઘણા વેપારીઓએ દુકાનની આગળના ભાગે ફીટ કરેલા છાપરાઓ તથા ચા-પાણી અને ઠંડા પીણાના કાઉન્ટરો જાતે હટાવવા લાગ્યા હતા.

સાંજ સુધીમાં હાઇવે જકાત નાકા નજીકનું ઘણુ બધુ દબાણ દૂર થઇ ગયું હતું. ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાએ દુર કરે તો સારી બાબત છે અન્યથા પાલીકા તંત્ર તેનું કામ કરશે જ.

નગરપાલીકા અને પોલીસ તંત્ર દ્વારા શરૂ થયેલ આ કામગીરીથી રસ્તાઓ પહોળા થયેલા જોવા મળે છે અને પ્રજામાં આનંદની લાગણી પણ છવાય છે.

ત્યારે બીજી બાજુ રોજનું કમાઇને રોજ ખાતા એવા નાના ધંધાર્થીઓને વૈકલ્પીક જગ્યા પણ પાલીકાએ ફાળવવી જોઇએ તેવી ચર્ચા પણ શરૂ થઇ છે.

(11:40 am IST)