Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જસદણ : 'મનરેગા' દ્વારા પાણી રોકવા કાર્યક્રમો

જસદણ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ દ્વારા, વિછીયા તાલુકાના ૧૦ ગામોમાં 'જલસેતુ' પ્રોજેકટ અને 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' રાજકોટ તથા વિછીયા યુનિટ અંતર્ગત, તાજેતરમાં વિછીયા તાલુકાના અમરાપુર ગામ પાસે આવેલા સતરંગ ધામ ખાતે 'પાણી સલામતી અને મનરેગા યોજના' વિષય પર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' શું છે? તેમાં કોણ લાભ લઈ શકે? તેમાં દરખાસ્તો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. દરખાસ્તોની તાંત્રિક અને વહીવટી મંજુરી કઈ રીતે મેળવવામાં આવે છે, લાભાર્થી પસંદગીના માપદંડો શું છે? ૧૦ ગામમાં વધારેમાં વધારે લોકો સુધી આ યોજના પહોચાડવી હોયતો કેવી રણનીતિથી કાર્ય કરવું પડે, યોજનાના સફળ અમલ માટે કેવા પ્રકારના લોકશિક્ષણના કાર્યક્રમો કરી શકાય, લોકો તથા પંચાયતમાં ચુટાયેલા બહેનો તથા ભાઈઓ સભ્યોની શું ભૂમિકા છે, વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના રીટા વોરાએ 'જલસેતુ' કાર્યક્રમની સમજ આપી હતી, અને જણાવ્યું હતુકે આ પ્રોજેકટ દ્વારા કેવા પ્રકારના લોકશિક્ષણના કાર્યક્રમો થયેલા છે, જેના દ્વારા લોકોમાં પાણી બચાવવા અને તેના સંવર્ધન કરવાની સમજ વિકસી છે. સાથે એ પણ જણાવ્યું હતુકે ઙ્ગટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશનના ભાગ રૂપે કેવા પાણી રોકવાના અને પાણી રીચાર્જ કરવાના કાર્યક્રમનું અમલીકરણ થયું છે. પર્યાવરણ શીક્ષણ કેન્દ્રના સુમન રાઠોડે ચર્ચા કરતા જણાવવામાં આવ્યુકે મનરેગા દ્વારા વ્યકિતગત અને સામુહિક કામની અમાપ સંભાવનાઓ રહેલી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના રાજકોટ તથા વિછીયા યુનિટના નરેશ બોરીચા અને નીતાબેન દવેએ ચર્ચાનો દોર આગળ વધારતા જણાવ્યું હતુકે મનરેગા અંતર્ગત કેવા પ્રકારની દરખાસ્તો તૈયાર કરી શકાય. તાંત્રિક અને વહીવટી પ્રક્રિયાની મંજુરી માટે પંચાયતની શું ભૂમિકા છે તેની ચર્ચા કરતા જણાવવામાં આવ્યુકે સૌ પ્રથમ લાભાર્થીએ ગ્રામ પંચાયતમાં રોજગારી માટે અરજી કરવાની હોય છે, જેના આધારે કુટુંબ પ્રમાણે જોબકાર્ડ બને છે, ત્યારબાદ વ્યકિતગત અને સામુહિક કામની દરખાસ્તો પંચાયતે તૈયાર કરવાની હોય છે. આ દરખાસ્તોને તાલુકાના મનરેગા યુનીટમાં સબમિટ કરવાની હોય છે. ત્યારબાદ તાલુકા ટીમ તેને તાંત્રિક અને વહીવટી મંજુરી માટે મોકલે છે. આ બંને મંજુર થયા બાદ કામ શરુ કરી શકાય છે. મનરેગા અંતર્ગત પાણી રોકવાના અને રીચાર્જ કરવાના સ્ટ્રકચર બનાવી શકાય છે, અને વ્યકિતગત કામોમાં ચેકડેમ બનાવવો, કુવા રીચાર્જ કરવા, એનિમલ સેલ્ટર બનાવવું, બાગાયતી પ્લોટ તૈયાર કરવો, પાણી માટે ખેતરમાં પાઈપલાઈન નાખવી, ખેતર રિચાર્જના સ્ટ્રકચર બનાવવા જેવા અલગ-અલગ પ્રકારના ૧૫૫ કામો મનરેગા અંતર્ગત કરી શકાય છે. અંતમાં વિછીયા તાલુકાના ૧૦ ગામમાં ગ્રામસભાઓ દ્વારા લોકોને જાગૃત કરી, સ્થળ પર જ મનરેગાના સામુહિક તથા વ્યકિતગત કામોની દરખાસ્તો તૈયાર કરવી તેમ ઠરાવેલ છે. મનરેગા દ્વારા પાણી રોકવાના અને રીચાર્જ કરવાના કાર્યને પ્રાથમિકતા આપી, ૧૦ ગામના કલસ્ટરને આદર્શ કામ દ્વારા રાષ્ટ્રીય ફલક પર નોધ લેવાય તેવી કામગીરી કરવાનું નક્કી કરેલ છે. કાર્યક્રમમાં ઙ્ગવિછીયા તાલુકાના ૧૦ ગામના પંચાયતમાં ચુંટાયેલા મહિલા પ્રતિનિધિઓ, સરપંચ તથા સભ્યો, પર્યાવરણ મહિલા વિકાસ મંડળના ભાઈઓ તથા બહેનો સહીત ૧૦૦ કરતા વધારે લોકો કાર્યક્રમમાં સહભાગી થયા હતા. 'મનરેગા' રાજકોટ તથા જસદણ-વિછીયા યુનિટમાંથી નરેશભાઈ બોરીચા, મીતાબેન દવે, સુરેશભાઈ સાગઠીયા, હરેશભાઈ ખીમસુરિયા, ભાર્ગેશભાઈ સદાદિયા, દ્વારકેશભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ વાળા, તથા વડોદ ગામના આગેવાન કાળુભાઈ ચાવડા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બાનાવવા માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ તરફથી સુમન રાઠોડ, રીટા વોરા, જયેશ પરાલેયા, અરજણ સાકરિયા, અરવિંદ કટેશિયા તથા  માધવી દેસાણીએ જહેમત ઉઠાવી હતી.

(10:13 am IST)