Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કેશોદઃ છાતીના કેન્‍સરનાં દર્દી ઓપરેશન પછી કોઇપણ જાતની દવા વગર ૪૦ વરસ તંદુરસ્‍ત રહ્યા

ના, હોય અને છતા નકકર હકિકત છે...!

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૬ :.. વર્તમાન સ્‍થિતિમાં કેન્‍સરની બીમારી માણસ માટે જીવલેણ પુરવાર થાય છે.

અત્‍યારે આગળ વધેલી તબીબી સારવાર તેના માટે છે જ. તેમ છતાં એ લગભગ જીવનના અંત ભાગ સુધી કેન્‍સરને લગતી કોઇને કોઇ દવા લેવી પડે છે આવી માન્‍યતા વચ્‍ચે એક અજીબ કિસ્‍સો જાણવા મળ્‍યો છે. અને આ કિસ્‍સામાં દર્દીના છાતીના કેન્‍સરનું ઓપરેશન કર્યા બાદ આ દર્દી કોઇપણ જાતની દવા અથવા તો સારવાર વગર ચાલીસ વરસ સુધી સંપૂર્ણ તંદુરસ્‍તી સાથે જીવીત રહ્યું.

વાત છે સ્‍થાનિક કેશોદથી વીસ કિલો મીટર દૂર આવેલા તાલુકાના આખોદર ગ્રામ પંચાયતના સરપંચ દેવાણંદ સવદાનભાઇ પીઠીયાના માતુશ્રી સઇદાબેન સવદાસભાઇ પીઠીયાની આ બહેનને ચાલીસ વરસ પહેલા છાતીમાં દુઃખાવો ઉપડતા ડોકટરને બતાવ્‍યુ હતું જરૂરી તપાસ અંતે ડોકટરે આ બહેનને છાતીના એક ભાગમાં કેન્‍સરની ગાંઠ હોવાનું નિદાન કર્યુ હતું. આથી તાત્‍કાલીક આ ગાંઠનું ઓપરેશન કરાવવામાં આવ્‍યું હતું અને આ ઓપરેશન પછી આ બહેનની તબીયતમાં પણ સુધારો કહો કે સંપૂર્ણ સુધારો થઇ ગયો હતો. ઓપરેશન બાદ કેટલીક દવાઓ આજીવન ચાલુ રાખવાનું સબંધકર્તા ડોકટરે જણાવ્‍યું હતું.

પરંતુ અખોદર ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ભરતભાઇ ભેડા અને સ્‍વ. સઇદાબેનના પરિવારના સભ્‍યોના જણાવ્‍યા મુજબ ઓપરેશન પછીની જે કોઇ દવા કે અન્‍ય સારવાર લેવાની હતી તે સઇદાબહેને કયારેય લીધી જ નથી અને છતાં સઇદાબેન સંપુર્ણ તંદુરસ્‍ત સ્‍થિતિમાં પોતાના ઘરનુ અને ખેતીનું બધુ કામ બહુ સારી રીતે પોતાની જાતે જ કરતાં. આ ઓપરેશન પછીના ૪૦ વરસ  સમય દરમિયાન તેને કોઇ બિમારી લાગુ પડી નથી અને કોઇપણ જાતની દવા કે સારવાર લીધી નથી.

તાજેતરમાં ૮૦ વરસની ઉંમરે ગણત્રીના દિવસની બિમારી બાદ તેમનું અવસાન થયુ હતું.

દરમિયાન અખોદર તેમજ આજુબાજુના ગામોમાં તબીબી સેવા આપતા ડો. કરશનભાઇ રામે કહયું હતું કે આ કોઇ દિવસ શકય જ નથી આવા ઓપરેશન પછી કેટલીક તબીબી સારવાર લેવાની આવે જ છે. છતાં આ દર્દીએ આવી કોઇ સારવાર નથી લીધી તેનો હું છેલ્લા રર વરસનો સાક્ષી છું.

એ જ રીતે જનરલ હોસ્‍પિટલના નિવૃત કર્મી. અને ડોકટર તરીકે હુલામણાના નામથી ઓળખાતા નાથાભાઇ પીઠીયાએ કહયું હતું કે ઓપરેશન પછીના ચાલીસ વરસ દરમિયાન તેને કોઇ બીમારી આવી નથી. સંપૂર્ણ સ્‍વસ્‍થ રહ્યા હતા અને કોઇપણ જાતની દવા નથી લીધી તેની મને ખબર છે.

અખોદર ગામમાં સઇદાબેનનું અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાણી હતી. અખોદર ગામ નાનકડુ છે અને પારિવારક ભાવના ઉચ્‍ચ છે.

(12:58 pm IST)