Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ધીકતો ધંધો અને સુખ સંપત્તિ છોડી સમગ્ર પરિવારનું વૈરાગ્‍યના પંથે પ્રકયાણ : ભુજમાં કરશે દીક્ષા અંગીકાર

છ કોટી અજરામર સંપ્રદાયના ઇતિહાસમાં પ્રથમવાર ભુજમાં આખો પરિવાર દીક્ષા લેશે, પતિ, પત્‍ની, પુત્ર અને ભાણેજ સહિત ૪ દિક્ષાઓ

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૬ : વર્તમાન સમયમાં આજે જ્‍યારે ચારે તરફ સુખી થવા સંપત્તિ અને સફળતા માટેની હોડ ચાલી રહી છે ત્‍યારે અધ્‍યાત્‍મનો માર્ગ પકડીને સંસારના આ ભૌતિક સુખભાવનો ત્‍યાગ કરવાનો વિચાર કરવાનું સાહસ પણ ભારે કપરૂ કાર્ય છે. પરંતુ, માત્ર સંસારના ભાવનો ત્‍યાગનો વિચાર જ નહીં પણ, સુખ, સંપત્તિ અને પરિવાર સાથે હર્યોભર્યો સંસાર ત્‍યજીને ધર્મના માર્ગ ઉપર ચાલવાનું સાહસ કરનાર વીરલા પણ છે. વાત, ભુજના જૈન વણીક પરિવારની ભાગવતી દિક્ષાની છે. એક આખો પરિવાર પતિ, પત્‍ની અને પુત્ર પોતાનો ધીકતો વ્‍યવસાય, ઘર, સંપત્તિ તમામ છોડીને વૈરાગ્‍યના પંથે  પ્રયાણ કરી રહ્યા છે. ભુજ પિયુષભાઈ કાંતિલાલ મહેતા, તેમના ધર્મપત્‍ની પૂર્વીબેન અને યુવાન પુત્ર મેઘકુમાર સાથે દીક્ષા લઈ રહ્યા છે. આ પતિ, પત્‍ની અને પુત્ર એ ત્રણેય પરિવારજનોની સાથે તેમના ભાણેજ ક્રિશકુમાર નિકુંજભાઈ મહેતા પણ દીક્ષા અંગીકાર કરશે. રેડીમેડ ગારમેન્‍ટનું વર્ષે કરોડ ઉપરના ટર્ન ઓવર સાથેનો ધીકતો ધંધો, સમળદ્ધ વિસ્‍તારમાં પોતાની માલિકીનું ઘર ધરાવતા અત્‍યંત સાધન સંપન્ન આ પરિવાર દીક્ષા શા માટે લઈ રહ્યો છે? જવાબ હૃદયને વિચારતા કરી મૂકે તેવો છે, સંસારના ભૌતિકવાદમાં સુખ નથી, સાચું સુખ આધ્‍યાત્‍મના માર્ગે છે. સાંસારિક મોહ માયા છોડી આત્‍મલક્ષી બનવા માટે આપણને આ માનવદેહ  પ્રાપ્ત થયો છે. ગુરુ ભગવંતો સાથેના ધાર્મિક સત્‍સંગ દરમ્‍યાન વર્તમાન ભૌતિકવાદનું મિથ્‍યાપણું સમજાયું. ધાર્મિક જ્ઞાન શીખતા ગયા અને જીવન તરફ નિર્મોહ ભાવ વધતો ગયો. અંતે જીવનપર્યંત પાંચ મહાવ્રતો સત્‍ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો માર્ગ અપનાવવા દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. આગામી ૯ મી ફેબ્રુ. ના ભુજ મધ્‍યે પિયુષભાઈ, પૂર્વીબેન, મેઘકૂમાર અને ક્રિશકુમાર દીક્ષા ગ્રહણ કરશે. આ  પ્રસંગે સંઘના મોવડી પૂ.  પ્રજ્ઞાજી મહાસતી,  પ્રવર્તીની પૂ. અનિલાબાઈ મહાસતીજી, આદિ ઠાણા ૫૦ તથા પૂ. ગુરુદેવ ધૈર્ય મુનિ, પૂ. ભવ્‍ય મુનિ આદિ ઠાણા ૫ ભુજમાં બિરાજમાન છે. આ ઉપરાંત આચાર્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તીની પૂ.  પ્રતિમાજી મહાસતીજી, પૂ. કોમલકુમારી મહાસતીજી તથા આઠ કોટી કોટી પક્ષ સં પ્રદાયના પૂ. ડો. નીતાબાઈ મહાસતીજી પધાર્યા છે. દરમ્‍યાન ભુજ છ કોટી જૈન સંઘના સંઘપતિ ધીરજભાઈ દોશીએ જણાવ્‍યું હતું કે, ૪૭૦ વર્ષના ભુજ શહેરના ઇતિહાસમાં અજરામર સંપ્રદાયના છ કોટી સ્‍થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી સમાજમાં સર્વ  પ્રથમ એક જ પરિવારના તમામ સભ્‍યોની જૈન ભાગવતી દીક્ષા થઈ રહી છે. આ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં સંઘપતિ ધીરજભાઈ દોશી, મંત્રી ભદ્રેશ દોશી ઉપરાંત સંદીપ દોશી ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:44 am IST)