Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વેક્સિન માટે દબાણ કરનારા અધિકારી સામે તપાસ થશે

વેક્સિન લો અથવા રાજીનામા આપો, કહી દબાણ કર્યું : મહિલા ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરનો આંગણવાળી બેહેનોને ધમકાવતી ઓડિયો ક્લિપ વાઈરલ

રાજકોટ, તા. ૬ : કચ્છ જિલ્લા એડમિનિસ્ટ્રેશને કોરોનાની ફરજિયાત વેક્સિન લેવા માટે આંગણવાડી બહેનોને પ્રેશર કરનારા ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. અધિકારીએ કથિત રૂપે વેક્સિન ન લેવા પર આંગણવાડી બહેનોને ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. શુક્રવારે મહિલા ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ સમગ્ર ઘટના સામે આવી હતી.

જિલ્લા અધિકારી દ્વારા મહિલા ઓફિસરનું નામ જાહેર નથી કરાયું, વાઈરલ ઓડિયો ક્લિપમાં આ મહિલા ઓફિસર કહેતા સંભળાય છે કે, તેમને તમામ પ્રેગ્નેટ મહિલાઓ જેમને વેક્સિન ના લેવાની સલાહ આપવામાં આવી છે, તેમના સહિત તમામ આંગણવાડી મહિલાઓનું લિસ્ટ જોઈએ. ક્લિપમાં ઓફિસર માંડવી તાલુકાના નાના અસામિયા ગામના આંગણવાડી મહિલાઓને આદેશ આપતા સાંભળી શકાય છે.

મહિલા ઓફિસર કહે છે, તમામ મહિલાઓએ ફરજિયાત વેક્સિન લેવાની છે. હું ઈચ્છું છું કે તમામ આંગણવાડી બહેનો અને હેલ્પરો વેક્સિન લે. તમે કાં તો વેક્સિન લો અથવા તો રાજીનામું આપી દો. આ સાથે જ મહિલા ઓફિસર પોતાના આસિસ્ટન્ટ પ્રજ્ઞાને આદેશ આપે છે કે વેક્સિન ન લીધી હોય તેવા લોકોનું લિસ્ટ બનાવવામાં આવે.

વાઈરલ ઓડિયો ક્લિપમાં તે વધુમાં કહે છે, તમામ માટે તે લેવી ફરજિયાત છે. મેં વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાં ડીડીઓએ ઠપકો આપ્યો હતો કે શા માટે આંગવાડી વર્કરો વેક્સિન નથી લઈ રહ્યા? તેઓ વધુમાં કહે છે, જે આંગણવાકી વર્કરોએ શુક્રવારે વેક્સિન નથી લીધી તેઓ શનિવારે તેને લેવા માટે આવે, નહીંતર તેમના સુપર વાઈઝર પર કાર્યવાહી કરાશે. આ સાથે જ તે અબડાસાના સુપર વાઈઝરનું ઉદાહરણ આપતા કહે છે, તેમને વેક્સિન ન લેવા પર સસ્પેન્ડ કરી દેવાયા. જો તમે પણ આદેશોનું પાલન નહીં કરો તો તમામ સુપર વાઈઝરને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. મને આદેશ આપવામાં આવ્યો છે.

આ મામલે જ્યારે કચ્છના ડીડીઓ ભાવ્યા વર્માનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું, અમે ઓડિયો ક્લિપની તપાસના આદેશ આપી દીધા છે. તેમને ત્યાં કોણે વેક્સિન લીધી અને કોણ બાકી છે તેનું રિવ્યૂ કરવા મોકલાયા હતા. જે રીતે તેઓ વાત કરી રહ્યા છે તે એકદમ ખોટું છે. કોઈને વેક્સિન લેવા માટે આ રીતે ફરજ પાડી શકાય નહીં.

(8:53 pm IST)