Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

આવા SP અમારે ત્યાં ન ચાલે સાંસદની ગૃહમંત્રીને રજૂઆત

અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો ઓડિયો વાયરલ : સાવરકુંડલાના લુવારા ફાયરીંગ પ્રકરણમાં એક મહિલાની પુરૂષ કોન્સ્ટેબલ દ્વારા ધરપકડ કરવાના મામલે વિરોધ

અમરેલી, તા. ૬ : અમરેલીના એસ.પી. નિર્લીપ્ત રાય વિરુદ્ધ ગૃહમંત્રીને રજૂઆત કરતા અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો ઓડીયો વાયરલ થયો છે. જેમાં તે કહે છે કે આવા એસ.પી. અમારે ત્યાં ન ચાલે, એવું મેં મારી ચૂંટણી એટલે કે અઢી વર્ષ અગાઉ પણ કહ્યું હતું.

સાવરકુંડલાના લુવારા ફાયરીંગ પ્રકરણમાં એક મહિલાની લેડી કોન્સ્ટેબલને બદલે પુરૂષ કોન્સ્ટેબલ દ્વારા ધરપકડ કરવાનો મુદ્દો ઉઠાવી તે ક્ષત્રિય સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં ગૃહમંત્રીને કહે છે કે એસ.પી. પાછળ પડી ગયા છે તેનાથી સમાજના લોકો નારાજ હોઈ ભાજપને મુશ્કેલી થઈ શકે છે, તમને અગાઉ આ એસ.પી. બાબતે ફરિયાદ કરેલી ગૃહમંત્રી તેમને આ મુદ્દે સીએમને પણ રજૂઆત કરવા અને યોગ્ય થશે તેમ જણાવે છે. લુવારા ફાયરીંગની ઘટનાને ધારાસભ્યો વિરજી ઠુમ્મર, જે.વી.કાકડીયાએ પણ વખોડી છે.

આ અંગે અમરેલીના એસપી નિર્લીપ્ત રાયે જણાવ્યું કે, લુવારાના પ્રકરણમાં આરોપીના બહેન સામે ૩૦૭ની કલમ લગાડવામાં આવી જ નથી. તેની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ છે અને તેની સામે ચાર્જશીટ પણ ૩૦૭ની નહીં પણ ફરજમાં રૂકાવટની જ કરવામાં આવશે. એફઆઈઆરમાં પણ મહિલા સામે ફરજમાં રૂકાવટની જ ફરિયાદ હોવાનું સ્પષ્ટ વાંચી શકાય છે.

આ ઉપરાંત પુરુષ પોલીસ કર્મચારી દ્વારા મહિલાની અટકાયત કરવા મુદ્દે મહિલાએ પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે એટલે આ મુદ્દે કોર્ટમાં જ પોલીસ સામે જે પગલાં લેવાના હશે તે લેશે.

(7:50 pm IST)