Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભુજની રાવલવાડી પોસ્‍ટ ઓફિસમાં આર્થિક કૌભાંડનો પર્દાફાશઃ 8.25 કરોડની છેતરપિંડીમાં કર્મચારી-મહિલા એજન્‍ટ અને તેના પત્‍નીની સંડોવણી

ભુજ: કચ્છમાં જ નહિ પરંતુ ગુજરાત નું સૌથી મોટું આર્થિક કૌભાંડ આજે ભુજની પોસ્ટ ઓફિસમાં બહાર આવ્યું છે.  8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈ ને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. 8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. પોસ્ટ ખાતાના કર્મચારીઓની સંડોવણી હોય કે બેદરકારી અને મહિલા એજન્ટ અને તેના પત્નીની સંડોવણીથી એક મોટું આર્થિક કૌભાંડ આચરાયું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે.

મહિલા એજન્ટ અને તેના પતિ દ્વારા જે કર્મચારીઓના કોમ્પ્યુટરમાં પાસવર્ડ  દ્વારા છેડછાડ કરીને આ સમગ્ર કૌભાંડ આચરાયું હોવાની ઘટના બહાર આવી છે. જેની તપાસની હાલ ચાલુ છે. જેમાં મહિલા એજન્ટે 673માંથી 142 ખાતાની પાસબુક ન આપતાં નોટિસ પણ પાઠવાઇ છે. જો કે એનો કોઈ પ્રત્યુતર મળ્યો નથી. ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં બહાર આવેલા 8.25 કરોડના ગફલા મુદ્દે મુખ્ય સૂત્રધાર સચિન  ઠક્કર અને તેની પત્ની (પોસ્ટ એજન્ટ) પ્રજ્ઞા ઠકકર પર ગાળિયો કસવા ગતિવિધિ તેજ બની છે.

નાણાકીય ગેરરીતિ મામલે ટપાલ વિભાગના કચ્છ-રાજકોટ રિજિયનના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમારે સી.બી.આઇ. તપાસની વાત કરી હતી. જો કે, નવાઇની વાત એ છે કે, હજુ સુધી નથી ફરિયાદ નોંધાઇ કે, મુખ્ય સૂત્રધાર પતિ-પત્ની સામે કોઇ પગલા ભરાયા નથી પરંતુ માત્રને માત્ર ટપાલ વિભાગના 3 કર્મીને સસ્પેન્ડ કરાયા છે.

જો કે, ટૂંક સમયમાં આ પ્રકરણમાં મોટા કડાકા-ભડાકા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વર્તમાન સમયે રાજ્યની પોસ્ટ ઓફિસોમાં સૌથી મોટા ગણાતા ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસનું કૌભાંડ પણ આર.ટી.ઓ.ના બેકલોગ કૌભાંડની જેમ જ એજન્ટો અને ટપાલ વિભાગના કર્મીઓ મારફતે સુનિયોજિત રીતે પાર પાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

(5:26 pm IST)