Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વાંકાનેર : ૬૦ વર્ષથી ઉપરનાને ટીકીટ નહીં આપવાના નિર્ણયને આવકારતા લલિતભાઇ મહેતા

(નિલશે ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા.૬ : પ્રદેશ અધ્યક્ષના ચુંટણીમાં યુવા કાર્યકરોને તક આપીને તથા ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ ચુંટણી લડેલાને ટીકીટ નહી આપવાના નિર્ણયને પુર્વ સાંસદ લલિતભાઇ મહેતાએ આવકારેલ છે.

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપા ના પાર્લામેન્ટરી બોર્ડે લીધેલા નિર્ણય મુજબ કોઇ પણ કાર્યકર્તા ત્રણ ટર્મ (૧૫ વર્ષ) જે તે સંસ્થામાં સેવા આપી ચૂકયો હોય (૨) ૬૦ વર્ષથી વધુ ઉમરનો હોય (૩) સંગઠનના હોદેદારો અને ભાજપાના ચૂંટાયેલા પદાધિકારીના લોહીના સંબંધ ધરાવતા વારસદારો હોય તેવા કાર્યકર્તાને ભાજપાની ટીકીટ આપવામાં નહિં આવે. આ નિર્ણય સ્થાપિત હિતો ન ઉભા થાય, યુવાન કાર્યકર્તાઓને તક મળે, અને પરિવારવાદીતા થી બચી લોકતંત્રને ધબકતું રાખતી વ્યવસ્થા મુજબ પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવદર્શનની વિચારધારાને પુરસ્કૃત કરતી કેડર દ્રારા જ પાર્ટીનો સર્વક્ષેત્રી અને સર્વસ્પર્શા વિકાસ થાય એ સુનિશ્ચિત કરવાને આવકારદાયક પગલું પુર્વ સાંસદ લલિતભાઇ મહેતાએ ગણાવેલ છે.

 રાજયસભામાં સંસદસભ્ય તરીકે સેવા આપતો હતો તે વખતે સામ્યવાદી (માર્કસવાદી) પક્ષના ત્રણ સંસદ સભ્યો (૧) નિલોત્પલ બસુ (૨) દીપંકર મુખર્જી અને જીબન રોય ઉત્કૃષ્ઠ સંસદીય કાર્ય કરી રહ્યા હતા.  આ ત્રણ સંસદસભ્યો નિવૃત થતા હતા ત્યારે વાતચીત કરતા મેં કહ્યું કે તમે તો ફરી રાજયસભા ગૃહમાં આવશો ત્યારે તેમનો જવાબ હતો કે અમારી બે ટર્મ અહિં પુરી થઇ છે. અમારી સામ્યવાદી પાર્ટીનો નિયમ છે કે કોઈ પણ ચૂંટાયેલી પાંખ, પંચાયત-નગરપાલિકા- ધારાસભા-લોકસભા-રાજયસભામાં કોઇ પણ કાર્યકર્તા કે નેતાએ બે ટર્મ પછી ફરજીયાત પાર્ટીના સંગઠનમાં જ કામ કરવાનું રહેશે અથવા પાર્ટીની વિચારધારાવાળી સંસ્થાઓ પૈકી કોઈ પણ સંસ્થામાં સેવાકાર્યમાં જોડાઇ જવાનું રહેશે તેમ લલિતભાઇ મહેતાએ જણાવેલ છે.

(11:36 am IST)