Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભક્‍તોની મનોકામના પૂર્ણ કરતા પૂ. હકાબાપાનો પુણ્‍યતિથી ઉત્‍સવ કાલે ચોટીલાના ઝિંઝુડામાં ઉજવાશે

પૂજા - અર્ચના અને બપોરે મહાપ્રસાદનું આયોજન : ૧૫૦ વર્ષથી તરણેતરમાં પૂ. હકાબાપાની રાવટી

રાજકોટ તા. ૬ : મનમાં યાદ કરીયે અને આપણા કામ થઇ જાય એવા પંચાળના પીર પૂજ્‍યશ્રી હકાબાપાની ૯૫મી પુણ્‍યતિથિનો ઉત્‍સવ આવતીકાલે રવિવારે ચોટીલા પાસે આવેલ ઝિંઝુડા ગામમાં ધામધુમથી ઉજવવામાં આવશે. સમગ્ર વિશ્વ લાંબા સમયથી કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્‍યારે જલારામબાપા અને હકાબાપા જેવા સંત પુરૂષોના આશિર્વાદ આપણુ રક્ષણ કરે છે.

ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે પર નાની મોલડી ગામ છે. નાની મોલડીથી ઝિંઝુડા જવાય છે. કાલે તા. ૭ને રવિવારે સવારે હકાબાપાના મંદિરમાં બાપાની પૂજા અર્ચના થશે અને બપોરે મહાપ્રસાદ લેવામાં આવશે.

સો વર્ષ પહેલા હકાબાપા પોતે ઝિંઝુડામાં પોતાની હાટડીમાં બિરાજતા હતા અને ગામે ગામથી તેમના દર્શને આવતા લોકો પર આશિર્વાદનો વરસાદ વરસાવતા હતા. રોગીઓના રોગ દૂર થતાં. આવનાર લોકોની મનોકામનાઓ પૂરી થતી. હકાબાપાની કૃપાનો એ ધોધ આજે પણ વરસી રહ્યો છે. આજે પણ બાપાને યાદ કરો અને તમારી મનોકામના પુરી થાય છે. ૧૫૦ વર્ષથી તરણેતર મેળામાં પૂ. હકાબાપાની રાવટી રખાય છે.

રવિવારે બાપાના ઉત્‍સવનો તમામ ખર્ચ રાજકોટના ઓટો પાર્ટસના વેપારી ગીતા ટેમ્‍પોવાળા જગદીશભાઇ કારીયા તરફથી છે. એમના દીકરા જયને ત્‍યાં દીકરો આવ્‍યો તેની ખુશાલી છે. હકાબાપાના શિષ્‍ય બિજલબાપા અને બિજલબાપાના શિષ્‍ય આત્‍માનંદ બાપુએ ભાડલામાં હકાબાપાનો આશ્રમ બનાવેલ છે.

મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ચોટીલા અને બીજા નાના મોટા શહેરો અને ગામોમાંથી લોકો હકાબાપાના દર્શને ઝિંઝુડા આવતા હોય છે અને બાપા તેમની માનતાઓ પુરી કરે છે. આ અંગે વધુ માહિતી માટે ભાનુકુમાર મહેતાને ૯૩૨૦૩ ૧૬૭૮૯ ઉપર ફોન કરી શકો છો.

(10:08 am IST)