Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

મોરબીમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી ૧૦ લાખ પડાવનાર ૪ શખ્સોના આજે રીમાન્ડ મંગાશે

યુવાનને કારખાનામાં બોલાવી મહિલા સાથેની અંગતપળોનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ૧૦ લાખ પડાવ્યા બાદ વધુ ૧૫ લાખની માંગણી કરતા યુવાને અંતે પોલીસનું શરણુ લીધુ :હનીટ્રેપમાં જે મહિલાનો ઉપયોગ થયો હતો તે મહિલાની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો સાથે પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૬ : મોરબીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી ૧૦ લાખ પડાવ્યા બાદ વધુ ૧૫ લાખની માંગણી કરનાર ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ આજે ચારેયને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવી આરોપી આશિષ હેમંત આદ્રોજા રહે મોરબી રવાપર રોડ બોની પાર્ક, તુલસી હસમુખ સંખેસરિયા મોરબી પંચાસર રોડ, વિપુલ મનુભાઈ ચૌહાણ રહે મોરબી રણછોડનગર અને ધવલ નરભેરામ આદ્રોજા રહે મોરબી રાજનગરવાળા એ ચાર આરોપીએ ૧૦ લાખની રકમ પડાવી હતી જેમાં મહિલા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી ૧૦ લાખની માંગણી કરતા ફરિયાદીએ પાંચ લાખ, ત્રણ લાખ અને બે લાખ એમ ૧૦ લાખની રકમ આપી દીધી હતી અને છતાં મોબાઈલમાંથી વિડીયો ડીલીટ નહિ કરીને બે દિવસમાં બીજા પંદર લાખની માંગણી કરી હતી અને ના આપે તો વિડીયો ફરતો કરી દેવાની ધમકી આપી હતી જેથી સમાજમાં બદનામીનો ડર અને રૂપિયા માટે આરોપીઓએ આપેલ સતત ધમકીને પગલે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જીલ્લા એસપી તેમજ ડીવાયએસપીની સુચના મુજબ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમે ઉકત શખ્સો સામે ગુન્હો દાખલ કરી દબોચી લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીને આરોપી આશિષ આદ્રોજાએ તેના સાળાના શનાળા નજીકના ઘડિયાળના કારખાને કામના બહાને બોલાવ્યો હતો અને આરોપી આશિષ આદ્રોજા, તેનો મિત્ર તુલસી સંખેસરિયા, અને ધવલ આદ્રોજા તેમજ એક મહિલા હાજર હતા અને ફરીયાદીની ઓળખાણ અજાણી મહિલા સાથે કરવી બાદમાં ગોડાઉનમાં બેસાડી આશિષ અને તુલસી બહાર નીકળી ગયા તેમજ મહિલાએ ફરિયાદીને લલચાવી પોતાની મરજીથી શરીર સંબંધ બાંધ્યા હતા જે બનાવના બીજા દિવસે ગત તા. ૨૯ ના રોજ અજાણ્યા મોબાઈલમાંથી ફોન આવ્યો જેના રાજકોટવાળા સંજયભાઈની ઓળખાણ આપી કારખાનાના ગોડાઉનમાં કરેલ તેનો વિડીયો બનાવ્યો છે અને દસ લાખની માંગણી કરી હતી અને સમાજમાં બદનામીના ડરથી ફરિયાદીએ પ્રથમ પાંચ લાખ તુલસીભાઈના કહેવાથી વિપુલ ચૌહાણને તેમજ બાદમાં તા. ૩૦ ના રોજ ત્રણ લાખ વિપુલભાઈને અને બાકીના બે લાખ તુલસીભાઈને આપ્યા છ્હતા વિડીયો ડીલીટ ના કર્યો અને બે દિવસમાં પંદર લાખની માંગણી કરી હતી અને ફરિયાદીએ પોલીસનું શરણ લેતા આખરે ગેંગનો ભાંડો ફૂટ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવાયા હતા.

આ હનીટ્રેપમાં જે મહિલાનો ઉપયોગ કરીને વિડીયો બનાવવામાં આવ્યો તે મહિલાને ઝડપવાની બાકી હોય તેમજ ટ્રેપમાં ફસાવી યુવાન પાસેથી ૧૦ લાખ પડાવ્યા હોય જે રીકવરી કરવા માટે આરોપીઓને આજે કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે. તેમ તપાસનીશ અધિકારી આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું.(૨૧.૧૩)

 

(3:49 pm IST)