Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જામનગર :ખાણખનીજ વિભાગ ઉપર હિચકારો હુમલો : જપ્ત કરેલ ટ્રકને દાદાગીરીથી છોડાવી ગયા

ટ્રકને બેફામ હંકારી સરકારી ગાડીને ઠોકરે ચડાવી કર્મચારીઓને જાનથી મારી નાખવાનો પ્રયાસ:ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ :કપિલ ઝડપાયો

જામનગરમાં ખાણ ખનીજ વિભાગ ઉપર હિચકારો હુમલો કરીને જપ્ત કરાયેલ ટ્રકને દાદાગીરીપૂર્વક છોડાવી લઈ જવાતા ત્રણ શખ્શો વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે જામનગરમાં ખાણખનીજની ટીમે રેતી ભરેલા ટ્રકને આંતરીને જપ્ત કરેલ મુદામાલ પોલીસ મથકે લઇ જવામાં આવતો હોય ત્યારે ખાણખનીજની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કરતા ચકચાર મચી છે.

  જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ખાણખનીજ ટીમે ચેકિંગ દરમિયાન રેતી ભરેલા ટ્રક નં જીજે ૦૫ એવી ૮૪૨ ને આંતરી ટ્રકમાં ભરેલ રેતીના આધારપુરાવા ના હોવાથી મુદામાલ જપ્ત કર્યો હતો જપ્ત કરાયેલ ગાડીને ખનીજ તંત્ર દ્વારા પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવતો હતો આ દરમિયાન કપિલ અરવિંદભાઇ જોઇસર તથા એક અજાણ્યા માણસ અને અજય પ્રવિણભાઇ પંડયાએ ખાણખનીજ તંત્રના સહદેવસિંહ સુરૂભા ચુડાસમા પાસેથી ટ્રકની ચાવી આંચકી લઈને ફુલ સ્પીડે ટ્રક ચલાવી સરકારી બોલેરો કારને બે વખત ઠોકર મારી સહદેવસિંહ તથા અન્ય કર્મચારીઓને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો
    આ ઘટના સ્થળે બોલેરો કાર અંદર એક માત્ર ચાલક હતાં. આ હિચકારી હુમલામાં સરકારી વાહનમાં ૪ હજારનું નુકશાન કરી સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ ગુનો આચર્યો હોવાની સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ અનુસંધાને પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી આરોપી કપિલ જોઇસરને પકડી પાડયો હતો. આ સમગ્ર ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ઉપરોકત આરોપીઓ સામે આઇપીસી કલમ 120(બી), 307, 504, 506(ર), 186, 427, 379 અને ગુજરાત ખાણખનીજ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:10 pm IST)