Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જુનાગઢમાં અશ્વમાં 'ગ્લેન્ડર' નામના રોગે ફરીથી દેખા દેતા સોરઠમાં ગદર્ભની હેરાફેરી ઉપર પ્રતિબંધ

જૂનાગઢ તા. ૬  જૂનાગઢ શહેર તથા જૂનાગઢ તાલુકાનાં ગદર્ભ તથા અશ્વપાલકો તેમજ જાહેર જનતાની જાણકારી અર્થે તેમજ સાવચેતી માટે જાહેર ચેતવણી કરવામાં આવે છે કે જૂનાગઢ શહેરનાં જમાલવાડી પાસેનાં વિસ્તારમાં આવેલ અશ્વોમાં ગ્લેન્ડરનો (બેકટેરીયાથી થતો) રોગચાળો જોવા મળેલ છે.

ધી પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઈન્ફેકસીઅસ એન્ડ કોન્ટેઝીયસ ડીસીઝ ઈન એનીમલ્સ એકટ-૨૦૦૯ અન્વયે જૂનાગઢ શહેર તથા જૂનાગઢ તાલુકાના ગદર્ભ તથા અશ્વપાલકોના પોતાનાં ગદર્ભ અને અશ્વોને બહાર જવા ઉપર અને બહારથી આવતા તમામ ગદર્ભ અને અશ્વોને જૂનાગઢ શહેર તથા જૂનાગઢ તાલુકામાં પ્રવેશ ઉપર નિષેધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમ ડીસીઝ કંટ્રોલ લાયુજન અધિકારી સહ તાલુકા પશુચિકીત્સા અધિકારી પશુ દવાખાના જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.   

ગ્લેન્ડર રોગએ અશ્વ અને ગદર્ભમાં થાય છે. રોગનાં કારણે અશ્વ અને ગદર્ભમાં તાવની અસર રહે, આંખમાંથી અને નાકમાંથી પ્રવાહીનું વહન થાય, ખોરાકમાં ઘટાડો થાય, દિવસેને દિવસે વજન ઘટતો જાય વગેરે અસર જોવા મળે છે. જૂનાગઢ શહેરનાં જમાલવાડી વિસ્તારમાં અશ્વને ગ્લેન્ડરનો રોગ લાગુ પડતા રોગનાં નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્લેન્ડર રોગનો રીપોર્ટ પોઝીટીવ આવતા પશુપાલન વિભાગ જૂનાગઢ શહેરમાં અશ્વને ગ્લેન્ડર નામનો રોગ માલુમ પડતા તંત્રમાં દોડધામ મચી છે. અશ્વોની તપાસ થશે તેમજ લોહીનાં નમુના લેવાશે.

(1:05 pm IST)