Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગોંડલ ૨૮ કરોડની મગફળી અગ્નિકાંડમાં ૬ શખ્સોને ઉઠાવી લેતી CID

ગોડાઉનના દરવાજામાં વેલ્ડીંગ થતુ હોય આગ લાગી'તી ત્યારબાદ કારસ્તાન છુપાવવા વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દીધી હતીઃ રાજકીય આગેવાનોની સંડોવણીના અનેક આક્ષેપો બાદ દોષનો ટોપલો વેલ્ડરો ઉપર ઢોળી દેવાયો :ગોડાઉન માલિક દિનેશ સેલાણી, ગોડાઉન મેનેજર મયુર ડાભી તેમજ વેલ્ડર ઉમેશ મહેતા તથા તેના કારીગરો રણવીર વિસાણી, કમલેશગીરી ગૌસ્વામી, મિલન ગોંડલીયાની ધરપકડઃ સીઆઇડી ક્રાઇમ ડીઆઇજી દિપાંકર ત્રિવેદી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

ગોંડલ મગફળી અગ્નિકાંડમાં સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં રૂરલ એસપી અંતરીપ સુદ, ડીવાયએસપી ઉપાધ્યાય તથા ડીવાયએસપી વાઘેલા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પકડાયેલ છ શખ્સો દેખાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૬ : ગોંડલમાં ગત મંગળવારે રામરાજય કોટન મીલનાં  ગોડાઉનમાં ૨૮ કરોડની મગફળીના જથ્થામાં લાગેલ રહસ્યમય આગની ઘટના પરથી સીઆઇડી ક્રાઇમે પડદો ઉંચકી છ શખ્સોને દબોચી લીધા છે. વેલ્ડરોની બેદરકારીને કારણે આગ લાગ્યા બાદ કારસ્તાન છુપાવવા વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેનાર ચાર વેલ્ડરો અને ગોડાઉન માલિક તથા ગોડાઉન મેનેજર  સહિત છ શખ્સોની સંડોવણી ખુલતા તમામ સામે ગુનો દાખલ કરી ગતરાત્રે જ ઉઠાવી લઇ ધરપકડ કરાઇ હોવાનું સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ.

મગફળી અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલ સીટના વડા દિપાંકર ત્રિવેદીએ વધુમાં જણાવ્યુ હતુ કે,  ગોંડલના ઉમવાડા રોડ પર આવેલ રામરાજય કોટન મીલમાં રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ ૨૮ કરોડની મગફળીના જથ્થામાં ગત મંગળવારે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તમામ મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ આગ એટલી વિકરાળ હતી કે તેના લબકારા છ દિવસ સુધી ચાલુ રહ્યા હતા. રાજય સરકારે ખરીદેલ ૩૬ કરોડની મગફળીનો જથ્થો સળગી જતા આ મગફળી અગ્નિકાંડમાં રાજકીય આગેવાનોની સંડોવણી હોવાના આક્ષેપો થતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો. બીજીબાજુ ઘટના સ્થળે દોડી ગયેલ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ આ રહસ્યમય આગની ઘટના અંગે મેજીસ્ટ્રીયલ તપાસના આદેશો આપ્યા હતા.

સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાતા સીઆઇડી ક્રાઇમના વડા દિપાંકર ત્રિવેદી સહિતના કાફલાએ ૩ દિ' પુર્વે ગોંડલમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એફએસએલની પણ મદદ લેવાઇ હતી. સીઆઇડી ક્રાઇમની ટીમે ગોડાઉનમાં કામ કરતા મજુરો તથા ચોકીદારોની પુછતાછ હાથ ધરી હતી.

દરમિયાન સીઆઇડી ક્રાઇમની તપાસમાં મગફળી ભરેલા ગોડાઉનમાં વેલ્ડરોની બેદરકારીને કારણે આગ લાગી હોવાનુ તારણ નિકળતા મગફળીના ગોડાઉનના દરવાજામાં વેલ્ડીંગ કામ કરનાર ઉમેશ કિરીટભાઇ મહેતા તથા રણવીર વિસાણી, કમલેશગીરી ગૌસ્વામી, મિલન ગોંડલીયા (રહે.તમામ ગોંડલ)ની આકરી પુછપરછ કરાતા પોલીસ સમક્ષ પોપટ બની ગયા હતા. મુખ્ય વેલ્ડર ઉમેશે એવી કેફીયત આપી હતી કે, ગોડાઉનના દરવાજામાં વેલ્ડીંગ કામ કરતા હોય સ્પાર્કથી મગફળીના જથ્થામાં આગ લાગી હતી ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અમો ગભરાઇ ગયા હતા અને ગોડાઉનના માલિક દિનેશભાઇ ધીરૂભાઇ સેલાણીને (રહે.રાજકોટ)ને જાણ કરી હતી. દિનેશભાઇ તથા તેના મેનેજર મયુર ડાભીએ વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેવાની અને ત્યાંથી નીકળી જવાની સુચના આપી હતી અને આ અંગે કોઇને કઇપણ ન કહેવા તાકીદ કરી હતી.

સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી ઋષિકેશ ઉપાધ્યાય તથા પીઆઇ આર.જી.રાણા, પીઆઇ આર.બી.ધીલર સહિતની ટીમે મગફળી અગ્નિકાંડમાં જવાબદાર વેલ્ડર ઉમેશ, તેના કારીગરો રણવીર વિસાણી, કમલેશગીરી ગૌસ્વામી, મિલન ગોંડલીયા તેમજ ગોડાઉનના માલીક દિનેશભાઇ સેલાણી અને તેના ગોડાઉન મેનેજર  મયુરને  ગઇકાલે રાત્રે જ ગોંડલમાંથી દબોચી લીધા હતા અને તમામ સામે સરકાર પક્ષે ડીવાયએસપી ઋષિકેશ ઉપાધ્યાયે ફરિયાદી બની આઇપીસી ૪૩૬, ર૦૧ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ સીઆઇડી ક્રાઇમ રાજકોટના ડીવાયએસપી ડી.પી.વાઘેલા ચલાવી રહ્યા છે.મગફળી અગ્નિકાંડના ગુનામાં અન્ય કોઇની બેદરકારી અંગે સંડોવણી છે કે કેમ ? તે અંગે તપાસ કરવા પકડાયેલ ઉકત છ શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરેલ છે.  (૩-૮)

 

(3:43 pm IST)
  • પાક. દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ અંગે પ્રહાર કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'શું આપણી મિસાઈલો માત્ર ૨૬મી જાન્યુઆરીના પ્રદર્શન માટે જ છે?' access_time 11:37 am IST

  • કાશ્મીરમાં આતંકીઓ બન્યા બેફામ : મોડી સાંજે પુલવામાના રાજપોરા પોલીસ સ્ટેશન પર કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 10:02 pm IST

  • પેટ્રોલ-ડિઝલ જીએસટીમાં નહિ આવેઃ રિયલ એસ્ટેટને લાવવા જેટલીએ આપ્યો સંકેત access_time 4:00 pm IST