Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વિંછીયાના ગોરૈયા ગામે કોળી ભાઇઓ પર કોળી શખ્સોનો ધારીયાથી હીચકારો હુમલો

વનરાજ અને અલ્પેશ ભરાડીયાને રાજકોટ ખસેડાયાઃ તેની બહેનની સગાઇ પરેશ અભુએ થવા ન દેતાં ઠપકો આપતાં તેના પિતા સહિતનાએ હુમલો કર્યો

રાજકોટ તા. ૬: વિંછીયાના ગોરૈયા ગામે રહેતાં કોળી ભાઇઓ પર ગામના જ કોળી શખ્સોએ ધારીયાથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. કોળી બંધુની બહેનની સગાઇ નક્કી થઇ હોઇ તે કોળી શખ્સે તોડાવી નાંખતા તેના મનદુઃખને લીધે આ હુમલો થયો હતો.

હુમલામાં ઘાયલ ગોરૈયા ગામના વનરાજ કરમશીભાઇ ભરાડીયા (કોળી) (ઉ.૨૫) અને તેના પિત્રાઇ ભાઇ અલ્પેશ ધીરૂભાઇ ભરાડીયા (ઉ.૨૨)ને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. પોલીસની પુછતાછમાં બંનેએ પોતાના પર હરજી વાલજી કોળી, અભુ ગોરધન કોળી, મમકુ ગોરધન કોળીએ ધારીયાથી હુમલો કર્યાનું બંનેએ જણાવતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ વિંછીયા પોલીસને જાણ કરી હતી.

અલ્પેશે જણાવ્યું હતું કે અમારા કાકાની દિકરીનું સગપણ નક્કી થયું હતું. પણ અભુના દિકરા પરેશે દિકરાવાળાને ત્યાં જઇને એવું કહેલ કે આ સગપણ કરતાં નહિ, એ છોકરીને હું લઇ જવાનો છું...આ બાબતે અમે તેને સમજાવવા જતાં માથાકુટ થઇ હતી અને પરેશના પિતા અભુ સહિતનાએ અમારા પર રાત્રે ધારીયાથી હુમલો કર્યો હતો. વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:48 am IST)