Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગોંડલ સફાઇ કર્મચારીઓની હડતાળ યથાવતઃ ૧૯૫ કર્મચારીઓને નોટીસ

મંડળી કોન્ટ્રાકટના કર્મચારીઓને રૂપિયા ૩૦૬ લેખે રોજ મળી રહ્યું છે તો પાલિકા ડાયરેકટ શું કામ ના આપી શકે?

ગોંડલ તા. ૬ : ગોંડલ નગરપાલિકામાં ૩ દિવસ પહેલાં સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ધમાલ અને સામ સામે થયેલ પોલીસ ફરિયાદની ઘટના બાદ સફાઈ કર્મચારીઓ દ્વારા લખાયેલ હડતાલ આજે પણ અવિરત રહી હતી તો પાલિકા તંત્ર સામે ૧૯૫ કર્મચારીઓને નોટિસ ફટકારી તાકીદે સફાઈ કામ છોડી જવા જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકા કચેરીમાં ત્રણ દિવસ પહેલાં પડતર પ્રશ્નો અને કાયમી કરવાની માંગ સાથે પાલિકા કચેરીએ ધસી આવેલા સફાઈ કામદારોના ટોળા દ્વારા કરવામાં આવેલ તોડફોડ ની ઘટના બાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી . બાદમાં સફાઇ કર્મચારીઓ દ્વારા હડતાલ શરૂ કરી દેવામાં આવતા શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે, હજુ પણ આ ઘટનાનું કોઈ નિવેડો આવ્યો ન હોય ગંદકીનું સામ્રાજય વધતા આજે પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા અને તંત્ર દ્વારા પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી ૫૦ તેમજ રોજમદાર ૨૮ અને દ્વારકાધીશ મંડળીના ૧૧૭ કર્મચારીઓને ફરજ પર હાજર થઈ જવા અને સફાઈ ના કામે લાગી જવા નોટિસ ફટકારવામાં આવી છે, અલબત્ત્। એક પણ કર્મચારી દ્વારા આ નોટિસનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

સફાઈ કર્મચારી મંડળના પ્રમુખ શંકરભાઈ વાઘેલા વધુ એક માંગ કરી હતી કે કોન્ટ્રાકટ પદ્ઘતિ દ્વારા ૧૨૫ કર્મચારીઓને રૂ ૩૦૬ મુજબ રોજ આપવામાં આવે છે. તો પાલિકા તંત્ર શા માટે આ રોજ મુજબ જ કામે લેતા નથી.

અગ્રણીઓ દ્વારા પાલિકા તંત્ર અને સફાઇ કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ માં સમાધાન કરાવવા ફોર્મ્યુલા હાથ ધરાઇ છે તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

(11:37 am IST)