Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજુલામાં ગૌભકત પુંજાબાપુ બિમાર ગૌમાતા - રોગોથી પીડાતા શ્વાનોની સંભાળ લેતા

પપ વર્ષ પહેલા સ્થાનિક વણીકો દ્વારા શ્રી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘના નામે સેવાકાર્યોનો ધમધમાટ

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા તા.૬ : રાજુલા શહેરમાં ધાણા નદીના સામાકાંઠે આજથી પપ વર્ષ પહેલા સ્થાનિક વણીકો દ્વારા શ્રી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘના નામે બિમારગાયોની સાર સંભાળ લેવા એક ગૌશાળા ચાલુ કરી હતી અને આ ગૌશાળાના તે દિવસે અને આજે પણ કાયમી આવકનું કોઇ સાધન ન હોય માત્ર ને માત્ર લોક ફાળાથી ગૌપ્રેમીઓ દ્વારા સંચાલન થતુ હતુ. તે દિવસોમાં આ ગૌશાળામાં ગાયોની સંખ્યા એકદમ મર્યાદીત હતી.

આજે આ ગૌશાળામાં કાયમી આવકનું કોઇ સાધન ન હોવા છતાં ૬૦૦ થી વધુ ગાયો અને ગૌવંશનું સારી રીતે સંભાળ લેવામાં આવે છે, પહેલાના વર્ષોમા ખુબ જ ઓછા ખર્ચે ગૌ શાળાનું સંચાલન થઇ શકતુ અને આજે ૬૦૦ ગાયો અને ગૌવંશની સારી સાર સંભાળ લેવા રોજ રૂપિયા ૩પ થી ૪૦ હજાર જેટલો ખર્ચ થાય છે.

કાઠી ક્ષત્રિય સમાજના પુંજાબાપુ નામના એક ગૌભકત કરતા તેઓ પગપાળા રાજુલા શહેરના ચોકો, ગલીઓમાં ફરી જયાં જયાં બિમાર ગાય કે ગૌવંશને જુએ બિમારીથી અને અસાધ્ય રોગોથી પીડાતા કુતરા અને તેના વંશોને જુએ કે તુરત જ તેઓ ગાયો માટે ઘાસ અને કુતરાઓ માટે રોટલા દવા લઇ ખાવા પિડાતા જીવોની સાર સંભાળ સારી રીતે લેતા સડેલા અને દુર્ગધ મારતા કુતરાઓને તેઓ પોતાના હાથે  જ ઘા સાફ કરી મલમપટ્ટી કરતા હતા.

રાજુલાના રહીશ અને વર્ષોથી મુંબઇ સ્થાયી થયેલા વણિક શ્રેષ્ઠીશ્રીઓ પણ પુંજાબાપુનો આદર કરતા ઘણા પ્રસંગોને યાદ કરતા પુંજા બાપુના રહેણાંકના ગઢ વિસ્તારના રહીશો આજે પણ યાદ કરીને કહે છે કે સાંજે ગાઠીયાનું શાક ઘરે બનાવવાનું હોય પુંજાબાપુ ગાંઠીયા શાક માટેના ખરીદી ઘરે પરત આવી રહયા હોય તે વેળાએ  જો કોઇ બીમાર કુતરો રસ્તામાં સામો મળે તો તેઓ ગાંઠીયા ઘરે લઇ જવાના બદલે કુતરાને ખવડાવી તેની જઠરાગ્નિ ઠારતા અને ઘરે જઇને કહેતા છાશ વઘારી નાખો વઘારેલી છાશ અને રોટલો આજે જમશું આવા હતા પુંજાબાપુ તેઓનું અવસાન તા.રપ-૧ર-૮૦ના રો થયુ હતુ.

પુંજાબાપુના અવાસન પછી તેમની સાથે ગૌસેવાની પ્રવૃતિમાં ખભેખભા મિલાવી જોડાયેલા ભીખુભાઇ સુખડીયા, અજીતભાઇ સોની, હસુભાઇ મશરૂ, જેન્તીભાઇ કાનાણી સહિતના આગેવાનો શ્રી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘના ટ્રસ્ટી મંડળને મળી આ સંસ્થાના નામે સાથે પુંજાબાપુનું નામ જોડવા વિનંતીઓ કરી, ટ્રસ્ટી મંડળ તો પુંજાબાપુની સેવાથી પ્રસન્નતા અનુભવતુ હતુ. તેઓએ સંમતિ ઉભા ઉભા જ આપી દીધી તે દિવસથી આ ગૌશાળાના સર્વોદય જીવદયા સંઘ (પુંજાબાપુ ગૌ  સેવા સદન પાંજરાપોળ)થી ઓળખાય  છે. આજે પુંજાબાપુ ગૌ સેવા સદનમાં ૬૦૦ થી વધારે ગાય, વાછરડી, બળદ કે જેઓ લુલા લંગડા છે. અંધ છે. કેન્સરગ્રસ્ત છે. તેવી ગાયો અને ગૌવંશોની સારી સારવાર અને માવજત સાથે સેવા કરાય છે.  આ ગૌભકત બકુલભાઇ વોરા ગૌશાળા વિષેની માહિતી આપતા જણાવે છેકે પ્રતિસાલ રાજુલા રૂદ્રગણગ્રુપ દ્વારા લોકમેળાનું આયોજન થાય છે. અને તેમાથી આ ગ્રુપ સારૂ એવું કમાય છે. આ ગ્રુપ દ્વારા આ વર્ષે કોરોના હિસાબે લોકમેળો નહિ યોજાતા પ્રતિ વર્ષે ૧૦ થી ૧ર લાખ જેવી રકમ આ ગૌશાળાને મળતી તે આ વર્ષે ન મળી, એવી જ રીતે અમે મોટ ચાના ગલ્લા, પાન મસાલાની દુકાનો, કરીયાણાના વેપારીઓ, કાપડના વેપારીઓની દુકાને ફાળા માટે મોટા ડબ્બા મુકતા તેમાંથી પણ સારી આવક ગૌ શાળાને થતી પરંતુ આ વર્ષે લોકડાઉન અને કોરાનાના લીધે પ્રમાણમાં ખુબ જ ઓછી આવક થઇ છે.

શહેર અને તાલુકાના ગામોમાં ફાળો એકત્ર કરી રહી છે. તેના બકુલભાઇ વોરા, જેન્તીભાઇ પટેલ, કૌશીકભાઇ તલાટી, હર્ષિત દવે, રામકુભાઇ ધાખડા, જયરાજભાઇ વરૂ, બીપીનભાઇ વેગડા સહિતના આગેવાનો જહેમત લઇ રહયા છે.

(12:50 pm IST)