Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોરબી માળિયા ટંકારા અને વાંકાનેર તાલુકામાં કિશાન સૂર્ર્યોદય યોજનાનું શુક્રવારે લોકાર્પણ

મોરબી તા.૬ : માળિયા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં શુક્રવારે કિશાન સુર્યોદય યોજનાનું લોકાર્પણ કરાશે.

 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવા હેતુથી સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતને પગલે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા જીલ્લાના ૫૦ ફીડરમાંથી ૮૯ ગામના ૭૨૩૫ ખેડૂતોને લાભ મળે તેવા હેતુથી જીલ્લાના ચાર તાલુકામાં કિશાન સૂર્યોદય યોજનાનું લોકાપર્ણ કરવામાં આવશે

જેમાં તા. ૦૮ ના રોજ માળિયાના સરવડ, તા. ૧૦ ના રોજ ટંકારાના પ્રભુચરણ આશ્રમ, તા ૧૫ ના રોજ વાંકાનેરના વીડી જાંબુડિયા અને તા. ૧૬ ના રોજ મોરબીના દ્યૂટું ગામે યોજનાનું લોકાપર્ણ કરાશે જે પ્રસંગે મંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, વાસણભાઈ આહીર અને સૌરભભાઈ પટેલ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

તાલુકાના રોડ રસ્તાના  કામોને મંજુરી

તાજેતરમાં મોરબી તાલુકાના ૧૫ રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા બાદ રાજયના નાયબ મુખ્યપ્રધાન દ્વારા મોરબી તલુકાના વધુ આશરે ૨૩ કરોડના રસ્તાના કામોને મંજુરી આપવામાં આવી છે

મોરબી તાલુકાના હયાત રસ્તાઓ જે સાત વર્ષથી વધુ સમયથી રી કાર્પેટ ના થયેલ હોય તેવા મોરબી-નાની વાવડી, બગથળા, શનાળા ખાનપર રોડ , મોરબી રફાળેશ્વર રોડ, સ્ટેટ હાઈવેથી બરવાળા એપ્રોચ રોડ, સ્ટેટ હાઈવેથી માનસર રોડ, ખરેડાથી ચરાડવા રોડ અને ભડિયાદથી જોધપર નદી એપ્રોચ રોડના કામને મંજુરી આપવામાં આવી છે

સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારાની ભલામણ અને રજૂઆતને પગલે રસ્તાઓ મંજુર કરવાના જોબ નંબર મેળવેલ છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, પૂર્વ મહામંત્રી જયંતીભાઈ પડસુંબીયા, બચુભાઈ ગરચર સહિતનાઓએ આભાર વ્યકત કર્યો છે.

યુવક નેતૃત્વ અને વ્યકિતત્વ વિકાસ તાલીમ માટે વેબીનાર

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા પ્રેરિત,કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,મોરબી દ્વારા ફેબ્રુઆરીની તા. ૦૧ થી તા.૦૬ દરમિયાન યુવક નેતૃત્વ અને વ્યકિતત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વેબીનારમાં જોડાવા ઇચ્છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ સાદા કાગળ પર પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, ઉંમર, મોબાઈલ નંબર જેમાં વોટ્સએપ હોય, આધારકાર્ડ નંબર જેવી વિગત લખી તા.૧૩ જાન્યુઆરી સુધી કચેરીના –ઇમેઇલ એડ્રેસ dydomorbi36@gmail.com પર મેઇલ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લાની કારોબારી મળી

પ્રાથમિક શૈક્ષણીક મહાસંઘ-મોરબી જિલ્લાની કારોબારી બેઠક મળી. જેમાં જિલ્લાના જવાબદાર વ્યકિતઓમાં અઘ્યક્ષ દિનેશભાઇ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદિપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ અને કિરીટભાઈ દેકાવાડીયા, સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ગોપાણી, સહ કોષાધ્યક્ષ અમિતભાઇ ખાંભરા, પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા,સહ સંગઠન મંત્રી-ટંકારા ચેતનભાઈ ભાલોડિયા તથા જીલ્લા ટીમના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા.

થોડા સમય અગાઉ જ રાજય સંગઠનના અથાક અને અવિરત પ્રયાસથી ૬૫૦૦૦ જેટલા શિક્ષકોને સ્પર્શતો પ્રશ્ન ૪૨૦૦ ગ્રેડ પેના નિરાકરણ લાવવા બદલ રાજયની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંદ્યની ટીમને અભિનંદન આપતો પ્રસ્તાવ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા તરફથી મુકવામાં આવ્યો જેને સર્વ જિલ્લા ટીમના સદસ્યો દ્વારા ટેકો આપી વધાવી લેવામાં આવ્યો. આ ઉપરાંત મોરબી જિલ્લાના શિક્ષકોને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી જેમાં જૂની પેન્શન યોજના, SPL રજા, આગામી ચૂંટણીમા B.L.O ને પ્રીસાઈડિંગ તરીકે ન મુકવા જેવા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. તેમજ ૪૨૦૦ ગ્રેડ પે ની કામગીરી સત્વરે કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રામમંદિર નિર્માણ અભિયાન અંગે શાળા સંચાલકો સાથે મિટીંગ

અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા શ્રી રામ ભગવાનનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થઈ ગયું છે. અને હવે ત્યાં જ શ્રી રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે રામમંદિર નિર્માણ અંતર્ગત શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે આ પુણ્ય અને પવિત્ર કાર્યમાં સંપૂર્ણ સમાજ તન,મન અને ધનથી જોડાવા થનગની રહ્યો છે. ત્યારે મોરબીના નગરજનો પણ ભવ્ય મંદિર નિર્માણમાં સહયોગી બને અને આ અભિયાનમાં દરેક સાથે મળી આગામી સમયમાં રામલ્લલાના વિષયને પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે તે અંતર્ગત મોરબી શહેર મધ્યે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તારીખ ૦૬ ને બુધવારના રોજ સાંજે ૫ કલાકે અજંતા બંગલો, સરદારબાગની બાજુમાં, શનાળા રોડ મોરબી મધ્યે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત હિન્દુ સમાજના લોકો આ બેઠકમાં સમયસર હાજરી આપે તેવી સંચાલક દ્વારા અપીલ એક યાદીમાં કરવામાં આવી છે.

(11:34 am IST)